કર્ણાટક સીએમ રેસ:- કર્ણાટકના મુખ્યમંત્રી પદને લઈને આજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. CM પદના બંને દાવેદારો દિલ્હીમાં હાજર છે. દિલ્હી જવા રવાના થતાં પહેલા ડીકે શિવકુમારે કહ્યું હતું કે, ‘હું એક જવાબદાર વ્યક્તિ છું, બ્લેકમેલ નહીં કરું.’
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ મુખ્યમંત્રીની પસંદગીને લઈને કોકડું ઉકેલાવાના બદલે વધુ ગૂંચવાયું છે. સોમવારે મળેલી બેઠક બાદ પણ કોંગ્રેસ હાઈકમાન્ડ નવા જીતેલા રાજ્યમાં કોને મુખ્યમંત્રી બનાવવા તે નક્કી કરી શક્યું નથી. કોંગ્રેસ માટે મુખ્યમંત્રીની પસંદગી સૌથી મુશ્કેલ કામ સાબિત થઈ રહ્યું છે. કારણ કે કર્ણાટકના બે દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીની ખુરશી માટે મજબૂત દાવેદારી કરી રહ્યા છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર બંને આ પદ માટે પોતપોતાની યોગ્યતાનો દાવો કરી રહ્યા છે. હાલ બંને નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજ સાંજ સુધીમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે.
CM પદના પ્રબળ દાવેદાર ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા સોમવારે દિલ્હી આવવાના હતા, પરંતુ ડીકે શિવકુમારે અચાનક દિલ્હીનો પ્રવાસ રદ્દ કરી દીધો હતો. ડીકે શિવકુમાર આજે સવારે દિલ્હી જવા રવાના થયા હતા. દિલ્હી જવા રવાના થતા પહેલા ડીકે શિવકુમારે કહ્યું હતું કે, ‘અમારું એક સંયુક્ત ઘર છે, અમારી સંખ્યા ૧૩૫ છે. હું અહીં કોઈને વિભાજિત કરવા માંગતો નથી. તેઓ મને પસંદ કરે કે ન કરે, હું એક જવાબદાર વ્યક્તિ છું. હું પીઠમાં છરો નહીં ભોંકુ અને બ્લેકમેલ પણ નહીં કરું.’
કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ હજી પણ રાજકીય મૂંઝવણનો અંત નથી આવી રહ્યો. ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને બેઠક યોજાઈ હતી. બેઠક રાત્રે ૧૦:૦૦ વાગ્યે પૂરી થઈ અને ખડગેના નિવાસસ્થાને પહોંચેલા તમામ મહાનુભાવો પાછા ફર્યા હતા. જોકે, સીએમ પદની ચર્ચાનો અંત આવ્યો નથી. તો ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશ સોમવારે સાંજે લગભગ ૦૮:૩૦ વાગ્યે દિલ્હી સીધા ખડગેના ઘરે પહોંચ્યા હતા અને તેમની સાથે વાત કરી હતી. તેમણે ભાઈ શિવકુમારને સીએમ પદ આપવાની વાત કરી હતી. ડીકે શિવકુમાર પણ સોમવારે કોંગ્રેસ અધ્યક્ષને મળવા આવવાના હતા, પરંતુ તેમણે પેટમાં ઈન્ફેક્શનનું કારણ આપીને તેમની ગેરહાજરીની જાણકારી આપી હતી.