શિક્ષણ સમિતિની ચૂંટણી:- આગામી ૧૯ જૂનના રોજ રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાશે. આ માટે મનપા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિસર્જન બાદ હવે શિક્ષણ સમિતિની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણી આગામી ૧૯ જૂનના રોજ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું પણ પાડવામાં આવ્યું છે.
શિક્ષણ સમિતિની ચૂંટણીની જાહેરાત થતાં જ નવા શિક્ષણ સમિતિના ચેરમેન કોણ બનશે? અને શિક્ષણ સમિતિના સભ્યો કોણ-કોણ હશે? તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. શિક્ષણ સમિતિના ચેરમેનને લઈને અનેક નામની ચર્ચા ચાલી રહી છે. શિક્ષણ સમિતિના ચેરમેન માટે કિશોર રાઠોડ, વિક્રમ પુજારા સહિતના નામ મોખરે ચાલી રહ્યા છે. આગામી 19 જૂનના રોજ કુલ 12 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો મતદાન કરી શકે છે.
શિક્ષણ સમિતિમાં એન્ટ્રી માટે ભાજપ અગ્રણીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેર ભાજપે પ્રદેશમાં નામોની યાદી મોકલી છે. નવી શિક્ષણ સમિતિમાં ચેરમેન પદ માટે કિશોર રાઠોડનું નામ મોખરે ચાલી રહ્યું છે. કિશોર રાઠોડ અગાઉ શિક્ષણ સમિતિમાં મહામંત્રી હતા. તો શિક્ષણ સમિતિના ચેરમેન માટે વિક્રમ પુજારાનું નામ પણ ચર્ચા છે.
૧૮ એપ્રિલે રાજકોટ કમલમ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને મેયર ડો. પ્રદિપ ડવની ઉપસ્થિતિમાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા સહિત ૧૫ સભ્યોના રાજીનામા લેવામાં આવ્યા હતા. પ્રદેશ પ્રમુખની સૂચનાથી ચેરમેન સહિત ૧૫ સભ્યોએ રાજીનામાં આપ્યા હતા.