અમદાવાદમાં કે.ડી.હોસ્પિટલના સર્વરમાં સાયબર અટેક થતાં દર્દીઓના ડેટા, CCTV સહિતના દસ્તાવેજ ગુમ થયા, સાયબર એટેક કરીને ૭૦ હજાર ડોલરની કરાઈ માગ.
વર્તમાનમાં ટેકનોલોજીનો જમાનો કહેવામાં આવી રહ્યો છે પરંતુ આ આધુનિક યુગનો સકારાત્મક ઉપયોગ કરીએ તો અનેક કામ સરળ થઈ જાય છે પરંતુ આમાં અમુક નકારાત્મક પાસાઓ પણ રહેલા છે, જેનો લાભ લઈ ગુનેગારો પણ બેફામ બની રહ્યાં છે, ત્યારે અવાર નવાર આપણે સાયબર એટેકની ઘટના સાંભળતા હોઈએ છીએ અને ક્યારેક તેનો શિકાર પણ બની જતા હોય છે, આજે અમદાવાદની જાણિતી કે.ડી.હોસ્પિટલમાં રેન્સમવેર એટેકનો હચમચાવી દે તેવો બનાવ સામે આવ્યો છે.
કે ડી હોસ્પિટલમાં રેન્સમવેર એટેકથી હોસ્પિટલનું સર્વર ખોરવાયું હતું. જેમાં હોસ્પિટલની ફાઇલ, દર્દીઓનો ડેટા અને સીસીટીવી સહિતના ડેટાઓ ગાયબ થઈ ગયા હતા. સાયબર એટેક કરી કોમ્પ્યુટર સર્વરને નિશાન બનાવામાં આવ્યું હતું તેમજ સાયબર એટેક કરી ૭૦ હજાર ડોલરની માગણી કરાઈ હોવાનું પણ જામવા મળ્યું છે.
૭૦ હજાર ડોલર બીટકોઈનમાં ટ્રાન્ફર કર્યા બાદ ડેટા પરત આપવા જાણ કરી હોવાની પણ વિગતો છે, રેન્સમવેર સાયબર એટેકને લઈ પોલીસને જાણ કરાઈ છે. જો કે, સમગ્ર બાબતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં સાયબર એક્સપર્ટ ટીમ પણ સાથે છે. અત્રે તમને જણાવી દઈએ કે, સાયબર એટેકની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે સાયબર ક્રાઈમ પણ અવાર નવાર નાગરિકોને સાવચેત અને સચેત રહેવા જરૂરી માહિતી પણ પુરી પાડી રહી છે.