રાજ્યના સર્વાંગી વિકાસ માટે રોડ નેટવર્ક સુદ્રઢ કરવાનો મુખ્મંત્રી ભૂપેન્દ્ર પટેલનો નવતર અભિગમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વાંગી વિકાસની તેજ ગતિને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની નેમ સાથે નાના ગામથી માંડીને મેટ્રો શહેર સુધી રાજ્યના માર્ગ-મકાન વિભાગ હસ્તકના ૯૧૯ કિ.મીટર લંબાઇના ૯૪ માર્ગોના વિકાસ કામો માટે ૨૨૧૩.૬૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યમાં કૃષિ, ઉદ્યોગ-વેપાર વગેરેની પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ સાથે વાહન યાતાયાત પણ દિન-પ્રતિદિન મોટા પ્રમાણમાં વધ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આ વિકાસ યાત્રા સાથે સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો નવતર અભિગમ અપનાવી બંદરો, ઔદ્યોગિક કેન્દ્રો, મહાનગરો તેમજ પ્રવાસન સ્થળોને જોડતા સ્ટેટ હાઇવેઝને ફોરલેન, ૧૦ મીટર પહોળા અને માર્ગ મજબૂતીકરણ, પૂલો, બાયપાસ સહિતના ૯૪ કામો માટે આ માતબર રકમ મંજૂર કરી છે. એટલું જ નહિ, આ વર્ષના બજેટમાં જાહેર કરવામાં આવેલી પરિક્રમા પથ યોજના અન્વયે ૧૭ જિલ્લાઓમાંથી પસાર થતા ૩૭ રસ્તાઓની ૨૮૯.૩૨ કિ.મીટર લંબાઇને ૧૦ મીટર પહોળી કરવા માટે ૪૬૯.૦૭ કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે.

તદ્દઅનુસાર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, આણંદ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર તેમજ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ પરિક્રમા પથ યોજનાની કામગીરી માર્ગ-મકાન વિભાગ હાથ ધરશે. મુખ્યમંત્રીએ ઇઝ ઓફ લિવિંગ વધારવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્યમાં વિશ્વકક્ષાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઊભી કરવાનો ધ્યેય પણ માર્ગોના વિકાસ માટેની મંજૂરીમાં કેન્દ્રસ્થાને રાખ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સુરત, રાજકોટ અને ગાંધીનગર જેવા મેટ્રો શહેરોને જોડતા ૮ રસ્તાઓની ૧૧૭.૭૧ કિ.મીટર લંબાઇના માર્ગો પહોળા કરવા, માર્ગ સુધારણા માટે ર૪૭.૩પ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યના માર્ગોને વધુ ટકાઉ બનાવવા માટે અદ્યતન વ્હાઇટ ટોપિંગ ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા ૩ સ્ટેટ હાઇવેઝની ૧૬.૪૦ કિ.મીટર લંબાઇની કામગીરી માટે 66 કરોડ રૂપિયાના કામોની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે.

મુંન્દ્રા, દહેજ પોર્ટ તથા સાવલી, ઝઘડીયા વગેરે ઇન્ડસ્ટ્રીયલ એરિયાને જોડતા 10 રસ્તાઓની ૧૭૭.૫૦ કિ.મીટર લંબાઇના ફોરલેન તથા ૧૦ મીટર પહોળા કરવા માટે ૧૪૬.૮૧ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. રાજ્યમાં વડનગર, પાવાગઢ, ધરોઇ-અંબાજી, જાંબુઘોડા, સાસણગીર અને સોમનાથની ટુરિસ્ટ સરકીટને જોડતા ૧૦ માર્ગોની ૧૪૨.૪૬ કિ.મીટર લંબાઇને ૧૦ મીટર પહોળા કરવા માટે ૧૦૫.૨૮ કરોડ રૂપિયા મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે. રાજ્યમાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં હયાત રસ્તાઓને વધુ પહોળા કરવા, નવા પૂલો, ફલાય ઓવરનું નિર્માણ તથા ટ્રાફિકનું ભારણ હળવું કરવા શહેરોના બાયપાસ રોડ બનાવવાની કામગીરી સહિતના રોડ નેટવર્કને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વ્યાપકપણે વિસ્તારવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર, અમરેલી અને ખેડા જિલ્લામાંથી પસાર થતા ૩ રસ્તાઓની ૭૧.૭૩ કિ.મીટર લંબાઇને પ્રગતિ પથ યોજના હેઠળ ફોરલેન કરવા માટે ૪૪૫.૨૫ કરોડ રૂપિયા તેમણે મંજૂર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *