દેશમાં ગેંગસ્ટર-ખાલિસ્તાની ટેરર નેટવર્ક પર NIAનો પ્રહાર

દિલ્હીથી યુપી અને પંજાબથી રાજસ્થાન સુધી ૧૨૨ સ્થળોએ એકસામટા દરોડા પાડવામાં આવતાં ગેંગસ્ટર અને ટેરર નેટવર્કમાં ખળભળાટ

દેશમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગેંગસ્ટર અને ખાલિસ્તાની ટેરર નેટવર્ક પર ફરી એક વાર મોટી કાર્યવાહી શરૂ કરી છે. NIA દ્વારા આજે દિલ્હીથી યુપી અને પંજાબથી રાજસ્થાન સુધી ૧૨૨ સ્થળોએ એકસામટા દરોડા પાડવામાં આવતાં ગેંગસ્ટર અને ટેરર નેટવર્કમાં ખળભળાટ મચી ગયો છે. NIA દ્વારા આ દરોડા લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર, નીરજ બવાના સહિત ડઝનબંધ ગેંગસ્ટરના ભારત સ્થિત સાગરિતો પર પાડવામાં આવ્યા છે.

NIA દ્વારા દિલ્હી-એનસીઆર સહિત હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ સહિત છ રાજ્યમાં ૧૨૨ સ્થળોએ સાગમટે દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ટેરર નેટવર્ક, ડ્રગ્સના તસ્કરો અને ગેંગસ્ટર્સની સાંઠગાંઠના મામલે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NIAએ દિલ્હી-એનસીઆરમાં ૩૨ સ્થળોએ, પંજાબ અને ચંડીગઢમાં ૬૫ સ્થળોએ, રાજસ્થાનમાં ૧૮ સ્થળોએ, મધ્યપ્રદેશમાં ૨ સ્થળોએ અને ઉત્તરપ્રદેશમાં ૩ થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે.

ખાસ કરીને NIA ગેંગસ્ટર્સ અને ખાલિસ્તાની નેટવર્ક સામે દાખલ કરાયેલા પાંચ કેસમાં પણ દરોડાની કાર્યવાહી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશોમાં બેઠેલા ગેંગસ્ટર્સ ભારતમાં મોટાપાયે ટેરર ફંડિંગ કરીને આતંક ફેલાવવાની ફિરાકમાં છે. તાજેતરમાં NIAએ ૧૪ દેશોના ૨૮ ગેંગસ્ટરની એક યાદી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સુપરત કરી હતી અને ત્યારબાદ NIAએ વિદેશોમાં બેઠેલા ગેંગસ્ટર્સના ભારતીય નેટવર્ક પર સપાટો બોલાવી દીધો છે.

અહેવાલો પ્રમાણે, આગામી દિવસોમાં NIA અન્ય ગેંગસ્ટર પર પણ મોટી કાર્યવાહી કરવાની છે. ખાસ કરીને સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો એજન્સીના નિશાન પર છે. NIA દ્વારા જે ૨૬ ગેંગસ્ટર્સની યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં ગોલ્ડી બ્રાર, અનમોલ બિશ્નોઈ, કુલદીપસિંહ, જગજિતસિંહ, ધર્મન કહલોન, રોહિત ગોદારા, ગુરવિન્દરસિંહ, સચીન થાપન, સતવીરસિંહ, સનવર ધિલ્લોન, રાજેશકુમાર, ગુરપ્રિન્દરસિંહ, અમૃતબાલ, સુખદુલસિંહ, લખબીરસિંહ, અર્શદીપસિંહ, ચરનજિતસિંહ, રામદીપસિંહ, ગૌરવ પતિયાલ, સુપ્રિપસિંહનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *