સુપ્રીમ કોર્ટે સેબીને અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ વિવાદના કેસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવા માટે ૧૪ ઓગસ્ટ, ૨૦૨૩ સુધીનો સમય આપ્યો
અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ વિવાદ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ મામલે નિષ્ણાત સમિતિએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. એક્સપર્ટ કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ વિવાદના મામલામાં તમામ તપાસ સમયસર પૂર્ણ કરવાની જરૂર છે, એક્સપર્ટ પેનલ અત્યારે એવું નિષ્કર્ષ આપી શકતી નથી કે, ભાવમાં હેરાફેરીના આરોપમાં રેગ્યુલેટર સેબીની નિષ્ફળતા રહી છે. સુપ્રીમ કોર્ટની વિશેષ સમિતિએ કહ્યું કે,ભારતના બજાર નિયામક સેબીએ જૂથની એન્ટિટીઓની માલિકી અંગેની તેની તપાસમાં તારણો રજૂ કર્યા છે.
૨૪ જાન્યુઆરી ૨૦૨૩ પછી અદાણીના શેરમાં રિટેલ રોકાણકારોનું રોકાણ વધ્યું અને તેના આધારે એવું તારણ કાઢવામાં આવ્યું કે, ભારતીય શેરબજાર સંપૂર્ણપણે અસ્થિર નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અદાણીના શેરમાં ઘટાડો ખરેખર જોરદાર હતો, જે હિંડનબર્ગ રિપોર્ટના પ્રકાશનને કારણે થયો છે.
એક્સપર્ટ પેનલ અત્યારે એવું તારણ કાઢી શકે નહીં સેબી કિંમતમાં હેરાફેરીના આરોપમાં નિષ્ફળ ગઈ છે. યુએસ શોર્ટ સેલર દ્વારા આઘાતજનક અહેવાલમાં ગૌતમ અદાણીના પોર્ટ-ટુ-એનર્જી સામ્રાજ્ય પર અન્ય છેતરપિંડીના આરોપો ઉપરાંત સ્ટોક મેનીપ્યુલેશનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. નિષ્ણાત સમિતિએ કહ્યું કે, સેબીએ આવા ૧૩ શંકાસ્પદ વ્યવહારોની ઓળખ કરી છે અને નિયમનકાર એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે, આ વ્યવહારમાં કોઈ પ્રકારની છેતરપિંડી થઈ છે કે કેમ. સેબી આ અંગે માહિતી એકત્ર કરી રહી છે અને તપાસ નિર્ધારિત સમયમાં પૂર્ણ થવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે સેબીને અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ વિવાદના કેસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવા માટે ૧૪ ઓગસ્ટ, ૨૦૨૩ સુધીનો સમય આપ્યો છે. જેથી અમેરિકા સ્થિત શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ સામે કરાયેલા આરોપોની તપાસ પૂર્ણ થઈ શકે. આ પહેલા સુપ્રીમ કોર્ટે સેબીને બે મહિનાનો સમય આપ્યો હતો. પરંતુ સેબીએ સંપૂર્ણ તપાસ માટે વધુ ૬ મહિનાનો સમય માંગ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે સેબીને સંપૂર્ણ તપાસ માટે માત્ર ૩ મહિનાનો સમય આપ્યો છે.