કર્ણાટકમાં વિપક્ષી એકતાને હચમચાવી રહી છે, કોંગ્રેસ સરકારનાં શપથવિધિ સમારોહને એકતા બતાવવાના પ્લેટફોર્મ તરીકે પણ જોવામાં આવી રહ્યો હતો, જોકે કેટલાક નેતાને આમંત્રણ આપ્યું તેમ છતાં તે ન આવ્યા.
કર્ણાટકને આખરે આજે તેના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી મળી ગયા. જોકે હવે કર્ણાટક શપથવિધિના મંચ પર વિપક્ષી એકતાને મોટો ઝટકો લાગ્યો હોવાની સ્થિતિ બની છે. આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધારમૈયાએ કર્ણાટકના ૩૦ મા મુખ્યમંત્રી તરીકે તો ડીકે શિવકુમારે નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સિવાય સિદ્ધારમૈયા કેબિનેટમાં આઠથી વધુ ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે આ નવી સરકારના શપથ સમારોહમાં કયા દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો અને કયા નેતાઓ હાજર નહોતા રહ્યા.
કર્ણાટકમાં આજે કોંગ્રેસ સરકારનાં શપથવિધિ સમારોહને એકતા બતાવવાના પ્લેટફોર્મ તરીકે પણ જોવામાં આવી રહ્યો હતો. તેનું કારણ એ હતું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે વિપક્ષી એકતા દાખવવી જરૂરી છે. પરંતુ શપથવિધિ સમારોહમાં વિપક્ષના કેટલાક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ સાથે કેટલાકને આમંત્રણ આપ્યું તેમ છતાં તે આવ્યા નહોતા.
કર્ણાટકમાં નવા ચૂંટાયેલા મુખ્યપ્રધાનના શપથ ગ્રહણ સમારોહમાં તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન, મક્કલ નીધી મૈયમના વડા કમલ હસન, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર, છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ, હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન વગેરે હાજર રહ્યા હતા. આ સાથ બિહારના ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ સમારોહમાં જોવા મળ્યા હતા. જોકે સોનિયા ગાંધી આ સમારોહમાં હાજર રહ્યા ન હતા.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતે વિપક્ષના અનેક નેતાઓને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. જોકે આમંત્રણ બાદ પણ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા, શિવસેના ( યુબીટી ) ના વડા ઉદ્ધવ ઠાકરે, સીપીઆઈના મહામંત્રી ડો. ડી રાજા, સીપીઆઈએમના મહાસચિવ સીતારામ યેચુરી આ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા.