પીએમ મોદીએ બેઠક દરમિયાન ગ્લોબલ સાઉથનો મુદો ઊઠાવતાં કહ્યું કે ‘જેમને અમે અમારા વિશ્વાસુ માન્યાં હતાં, તેઓ જરૂરિયાતનાં સમયે અમારી સાથે નહોતાં ઊભાં’
પીએમ નરેન્દ્ર મોદીએ ફોરમ ફોર ઈન્ડિયા – પેસિફિક આઈલેન્ડ્સ કો-ઑપરેશનનાં ત્રીજાં સમ્મેલનમાં દુનિયાનાં વિકસિત દેશો પર પ્રહારો કર્યાં હતાં. પાપુઆ ન્યૂ ગિનીનાં પ્રવાસ પર ગયેલા પીએમ મોદીએ બેઠક દરમિયાન ગ્લોબલ સાઉથનાં મુદા પર કહ્યું કે ‘અમે જેમને પોતાના વિશ્વાસુ માનતાં હતાં, ખબર પડી કે જરૂરિયાતનાં સમયે તેઓ અમારી સાથે નથી ઊભાં.’
પાપુઆ ન્યૂ ગિનીનાં પ્રધાનમંત્રી જેમ્સ મારાપેએ વૈશ્વિક મંચ પર ભારતનાં નેતૃત્વનાં વખાણ કર્યાં અને પીએમ મોદીનાં સમર્થન બદલ તેમનો આભાર માન્યો. જેમ્સ મારાપેએ કહ્યું કે અમે વૈશ્વિક શક્તિઓનાં અથડામણથી પીડિત છીએ. તમે પીએમ મોદી ગ્લોબલ સાઉથનાં નેતા છો. અમે ગ્લોબલ ફોરમમાં તમારા નેતૃત્વમાં સાથે છીએ. પીએમ જેમ્સ મારાપેએ કહ્યું કે તમે અમારો અવાજ છો. તમે અમારા મુદાઓને એડવાન્સ્ડ અર્થતંત્ર સુધી લઈ જઈ શકો છો. અમે ઈચ્છીએ છીએ કે ભારત અમારા પડકારોનો અવાજ બને.
સમિટમાં કોરોનાની વાત કરતાં પીએમ મોદીએ કહ્યું મહામારીની અસર ગ્લોબલ સાઉથ દેશો પર સૌથી વધારે થઈ છે. જળવાયુ પરિવર્તન, પ્રાકૃતિક આફતો, ભુખમરો, ગરીબી અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા પડકારો પહેલાથી જ હતાં હવે તો ફ્યૂલ, ફર્ટિલાઈઝર અને ફાર્માને સંબંધિત નવી મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે તમે એક વિશ્વસનિય પાર્ટનરનાં રૂપમાં ભારત પર વિશ્વાસ કરી શકો છો. અમે સંકોચ વિના તમારી સાથે અમારા અનુભવો અને ક્ષમતાઓ સાંકળવા તૈયાર છીએ. ભારત બહુપક્ષવાદમાં વિશ્વાસ રાખે છે.