ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું :- ગુજરાતમાં ૩ દિવસ ગરમી યથાવત્ રહેશે. ૩ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.

સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે, સતત ગરમીનું પ્રમાણ વધવાને કારણે લોકોના જનજીવન પર અસર પડી રહી છે. આકાશમાંથી સુરજદાદા કોપાયમાન થયા હોય અને અગનજ્વાળાઓ વરસાવતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીથી લોકો તોબા પોકારી ગયા છે. અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે, ગરમીથી રાહત મેળવવા લોકો છાશ, ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આવા ધગધગતા તાપમાં લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવર જવર ઘટી છે.

૪૨ ડિગ્રી ગરમી જાણે કે સામાન્ય બની ગઈ છે. ગઈકાલે રવિવારના રજાના દિવસે પણ લોકોએ મોડી સાંજ બાદ ઘરની બહાર નીકળવાનું પસંદ કર્યું હતું. એક તો ભારે ગરમી ઉપરાંત ભેજ અને તેના કારણે થતાં ઉકળાટથી લોકો પરેશાન થઈ ઊઠ્યા છે. જોકે, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભેજ વધશે અને તેની સાથે ઉકળાટના પ્રમાણમાં પણ વધારો થશે. એટલે લોકોએ ઉકળાટ સહેવા માટે તૈયાર રહેવું પડશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં હજુ ૩ દિવસ ગરમી યથાવત્ રહેશે. પવનોની દિશા બદલાતા ૩ દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. ૩ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.

અમદાવાદીઓએ હજુ ૫ દિવસ ૪૨ ડિગ્રી આસપાસ ગરમી સહન કરવી પડશે. આ સાથે શહેરમાં ૨ દિવસ યલો એલર્ટ પણ જારી કરાયું છે.  જોકે, બે દિવસ પછી યલો એલર્ટ દૂર થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. આજે અમદાવાદમાં ૨૮ ડિગ્રી સેલ્સિયસ લધુતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય  જેટલું જ હતું. આગામી ૫ દિવસમાં લઘુતમ તાપમાન ૨૭ – ૨૮ વચ્ચે રહે તેવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *