શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સોમવારે જી – ૨૦ દેશોના પ્રવાસન કાર્યકારી જૂથની ત્રીજી બેઠક શરૂ, રામ ચરણે તેની ફિલ્મ RRRનાગીત ‘નાટુ-નાટુ’ પર પ્રતિનિધિઓ સાથે કર્યો ડાન્સ.
કાશ્મીરના શ્રીનગરમાં જી – ૨૦ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક શરૂ થઈ છે. પ્રથમ દિવસે બેઠક બાદ પ્રતિનિધિઓએ રાત્રે ડલ તળાવની મુલાકાત લીધી હતી. વિદેશી મહેમાનો પણ કાશ્મીરની પ્રખ્યાત શિકારા બોટમાં પણ બેઠા હતા. આ મીટિંગમાં વિદેશથી આવેલા મહેમાનો ઉપરાંત દક્ષિણના અભિનેતા રામચરણ તેજાએ પણ ભાગ લીધો હતો.
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સોમવારે જી – ૨૦ દેશોના પ્રવાસન કાર્યકારી જૂથની ત્રીજી બેઠક શરૂ થઈ છે. આ કોન્ફરન્સ ત્રણ દિવસ સુધી ચાલશે. ઓગસ્ટ ૨૦૧૯ માં અનુચ્છેદ ૩૭૦ નાબૂદ કર્યા પછી અને અગાઉના રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા પછી લગભગ ૩૭ વર્ષ પછી જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રથમ આંતરરાષ્ટ્રીય બેઠક યોજાઈ રહી છે. ભારત આ વર્ષે જી – ૨૦ ની અધ્યક્ષતા કરી રહ્યું છે. આ બેઠકો દેશના તમામ રાજ્યોમાં યોજાઈ રહી છે. આ શહેરોમાંથી શ્રીનગરની પણ પસંદગી કરવામાં આવી હતી.
શ્રીનગરમાં જી – ૨૦ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં અભિનેતા રામચરણે કાશ્મીરના વખાણ કર્યા અને કહ્યું, અહીં કંઈક જાદુ છે. હું ૧૯૮૬ થી ઘણી વખત અહીં આવ્યો છું. મારા પિતા ફિલ્મોના શૂટિંગ માટે ગુલમર્ગ અને સોનમર્ગ આવતા હતા. હું પોતે ૨૦૧૬ માં એક શૂટિંગના સંબંધમાં અહીં આવ્યો હતો. આ પછી તેમણે તેમની ફિલ્મ RRR ના પ્રખ્યાત ગીત ‘નાતુ-નાટુ’ પર પ્રતિનિધિઓ સાથે ડાન્સ કર્યો હતો.
જી – ૨૦ ઈન્ડિયન પ્રેસિડન્સીના ચીફ કોઓર્ડિનેટર હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું કે, આ મીટિંગમાં ભાગ લેનારા ડેલિગેટ્સ અહીં આવીને જોઈ શકશે કે પૃથ્વી પરનું સ્વર્ગ કેવું છે. પ્રવાસન કાર્યકારી જૂથની આ બેઠક ૨૨ થી ૨૪ મે દરમિયાન યોજાશે. એક અહેવાલ મુજબ કાશ્મીરના યુવાનોને વિશ્વાસ છે કે, આ બેઠક બાદ કાશ્મીરમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થશે.