બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર એમેઝોનના બોસ જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન, અબજોપતિઓની સંપત્તિ ઘટવાની અદાણી-અંબાણીની સંપત્તિમાં વધારો
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર વિશ્વના ટોચના અબજોપતિઓની સંપત્તિમાં રીતસરની સુનામી જોવા મળી રહી છે. વાત જાણે એમ છે કે, નંબર વન અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટથી લઈને જેફ બેઝોસ સુધી, બિલ ગેટ્સથી લઈને વોરન બફેટ સુધી, તમામ ધનિકોની સંપત્તિમાં છેલ્લા 24 કલાકમાં મોટો ઘટાડો નોંધાયો છે. એમેઝોનના બોસ જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે, જ્યારે બર્નાર્ડ આર્નોલ્ટ સંપત્તિના નુકસાનની બાબતમાં બીજા ક્રમે છે. ખાસ વાત એ છે કે, તમામ અમીરોની નેટવર્થમાં ઝડપથી ઘટાડો થયો છે ત્યારે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ટોપ-20માં સામેલ 18 અમીર લોકોની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે. જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે. તેમની નેટવર્થમાં $ ૧૯.૮ બિલિયન અથવા લગભગ રૂ. ૧,૬૩,૯૦૯ કરોડનો ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે, તેમની નેટવર્થ ઘટીને $ ૧૩૯ બિલિયન થઈ ગઈ છે. જોકે બેઝોસ હજુ પણ વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બર્નાર્ડ આર્નોલ્ટને છેલ્લા ૨૪ કલાકમાં $ ૧૧.૨ બિલિયન અથવા લગભગ ૯૨,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સાથે ફ્રેન્ચ અબજોપતિની નેટવર્થ $ ૨૦૦ બિલિયનની નીચે પહોંચી ગઈ છે. સમાચાર લખાય ત્યાં સુધી આર્નોલ્ટ ૧૯૨ બિલિયન ડોલર સાથે પ્રથમ સ્થાને હતું.
દુનિયાના ટોપ – ૨૦ અમીરોની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં વધારો થયો છે. જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ $ ૪.૩૮ બિલિયન વધીને $ ૬૪.૨ બિલિયન થઈ ગઈ છે અને તેઓ અમીરોની યાદીમાં ૫ સ્થાનની છલાંગ લગાવીને ૧૮ માં સ્થાને પહોંચી ગયા છે. તો બીજી તરફ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થ $ ૫.૪૯ મિલિયનના વધારા સાથે $ ૮૪.૧ બિલિયન થઈ ગઈ છે. આટલી સંપત્તિ સાથે તેઓ વિશ્વના ૧૩ મા સૌથી અમીર વ્યક્તિ છે.