કમોસમી વરસાદને લઇને વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૮ અને ૨૯ મીના રોજ ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં ખાબકેલા કમોસમી માવઠા બાદ રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતોને માઠી બેઠી હોય તેમ એક બાદ એક માવઠું આવી રહ્યું છે. આ તરફ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ૨૮ અને ૨૯ મેએ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ હવામાન વિભાગે એવું પણ કહ્યું છે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ સાથે પવન ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. આગામી ૩ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં ૧૫ થી ૩૦ જૂન વચ્ચે ચોમાસુ શરૂ થશે. તેમજ ૨૨ મી જૂન આસપાસ વિધિવત ચોમાસાનો ગુજરાતમાં પ્રારંભ થશે. આ વર્ષે ચોમાસાની શરૂઆત અને અંત સારો રહેશે. ચોમાસાના મધ્ય ભાગમાં થોડી ગડબડ થઈ શકે છે. ત્યારે હાલ તો ઝાકળી વાદળો જોવા મળી રહ્યા છે તે ચોમાસુ સમયસર થશે તેની નિશાની છે. તેમજ મે મહિનાના અંતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં થશે.