સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
સાયક્લોન સર્ક્યુલેશનના કારણે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે આજે પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
આગામી બે દિવસ રાજ્યમાં હળવોથી ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. આજે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. કચ્છમાં પણ હળવો વરસાદ વરસવાની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે આવતીકાલે એટલે કે, મંગળવારે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, અમરેલી, અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે. વાત ગઈકાલે પડેલા વરસાદની કરીએ તો અમદાવાદની સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. વડોદરામાં ગઈકાલે મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે કેટલાક વૃક્ષો ધરાશાયી થયા હતા. ભાવનગરના સિહોર અને વલભીપુરમાં પણ ભારે પવન સાથે અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. ડેડિયાપાડા અને તેની આસપાસના વિસ્તારમાં પણ રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ વીજળી ગુલ થઈ ગઈ હતી. કમોસમી વરસાદથી ઉનાળુ પાક લીલા મગ, મગફળી, મકાઈ અને શાકભાજીને વ્યાપક નુકસાન થયું હતું. આ સિવાય પણ રાજ્યમાં અનેક જગ્યાએ છુટોછવાયો વરસાદ વરસ્યો હતો.