ગુજરાતમાં વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેઓના જણાવ્યા અનુસાર, આજે બપોર બાદ પણ રાજ્યમાં વરસાદ વરસશે.
ગઈકાલે સાંજે અમદાવાદ સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ તૂટી પડ્યો હતો. બપોર બાદ વાદળછાયું વાતાવરણ થઈને મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં લોકો અચરજમાં મુકાઈ ગયા હતા. જોકે, ગાજવીજ સાથે વરસાદ પડતાં આકરી ગરમી સામે લોકોએ રાહત અનુભવી હતી. ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. જે બાદ ક્રિકેટ લવર્સમાં ચિંતા વ્યાપી ગઈ છે.
ગઈકાલે મોકૂફ રાખાયા બાદ આજે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલ મેચ રમાવાની છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. તેઓએ જણાવ્યું કે, આજે બપોર બાદ ગુજરાતમાં વરસાદ ખાબકી શકે છે. અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, વેસ્ટર્સ ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદ થઈ રહ્યો છે.
ગુજરાતમાં ચોમાસા પહેલા વાવાઝોડું ત્રાટકશે. ૪ થી ૭ જૂનની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડુ આવવાની શક્યતા છે. રોહિણી નક્ષત્રને કારણે વાતાવરણે કરવટ બદલી છે, જેને કારણે આંધી અને દરિયામાં તોફાન આવશે. રાજ્યમાં ચોમાસાને લઈને આગાહી કરતા જણાવ્યું કે, અંદમાન નિકોબરથી આજે ચોમાસું આગળ વધી શકે છે. તેમજ અંદામાનમાં સ્થિર થયેલું ચોમાસું પહેલી જૂને કેરળમાં પ્રવેશ કરી શકે છે.