નરેન્દ્ર મોદી સરકાર આ મહિને નવ વર્ષ પૂર્ણ થશે

પીએમ મોદી ૩૦ મે ના રોજ વિશાળ રેલી સાથે ભાજપના મહાજનસંપર્ક અભિયાનની શરૂઆત કરશે, ૩૧ મે ના રોજ પણ પીએમ મોદીની વિશાળ રેલી યોજાશે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ મહિને નવ વર્ષ પૂર્ણ કરી રહી છે. મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભાજપ દેશભરમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવશે. આ જનસંપર્ક અભિયાનનું સૂત્ર ‘નવ સાલ, બેમિસાલ’  રાખવામાં આવ્યું છે. પીએમ મોદી ૩૦ મે ના રોજ વિશાળ રેલી સાથે ભાજપના મહાજનસંપર્ક અભિયાનની શરૂઆત કરશે. ૩૧ મે ના રોજ પણ પીએમ મોદીની વિશાળ રેલી યોજાશે. આ રેલીનું આયોજન મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણા સહિત કોઈ એક સ્થળે કરાવાની શક્યતા છે. મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવા પર દરેક લોકસભા મતવિસ્તારમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન ૩૦ મેથી ૩૦ જૂન સુધી ચાલશે.

જિલ્લા મથકોથી બૂથ પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં મોદી સરકારની નીતિઓ અને સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવામાં આવશે. દેશભરમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની ૫૧ રેલીઓ થશે. ૩૯૬ લોકસભા બેઠકો પર જાહેર સભાઓ યોજાશે, જેમાં કેન્દ્રીય પ્રધાન   અથવા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારી ઉપસ્થિત રહેશે, જેઓ આ રેલી અને જાહેર સભાઓમાં ભાગ લેશે. દેશભરના એક લાખ વિશેષ પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે. આમ, દરેક લોકસભામાં ૨૫૦ પરિવારોનો સંપર્ક કરવામાં આવશે. આ અભિયાનમાં રાજ્યની પ્રભાવશાળી વ્યક્તિઓ, જેમ કે રમતવીર, કલાકાર, ઉદ્યોગપતિ, શહીદ અને અન્ય જાણીતા પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે. આજે દેશભરમાં એકસાથે પ્રેસ કોન્ફરન્સ યોજાશે.

પીએમ મોદી ૨૩ જૂને વીડિયો કોન્ફરન્સ દ્વારા શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિએ ૧૦ લાખ બૂથ પર પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે. ૨૦ થી ૩૦ જૂન દરમિયાન ડોર ટુ ડોર સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. નવ વર્ષની સિદ્ધિઓ લોકો સાથે શેર કરવામાં આવશે અને પ્રચાર સામગ્રીનું વિતરણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *