મણિપુર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત

મણિપુર પ્રવાસ પર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત, હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ વાળું ન્યાયિક પંચ કરશે મણિપુર હિંસાની તપાસ

મણિપુર હિંસા બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક્શન મોડમાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, મણિપુર પ્રવાસ પર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે, હવે ન્યાયિક પંચ મણિપુર હિંસાની તપાસ કરશે. આ પંચનું નેતૃત્વ હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ કરશે. આ સિવાય CBI હિંસા સંબંધિત છ કેસની તપાસ કરશે. આ સાથે કહ્યું કે, હિંસામાં જીવ ગુમાવનારા પીડિત પરિવારને સરકાર દ્વારા ૧૦-૧૦ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

મણિપુર પ્રવાસના છેલ્લા દિવસે ઈમ્ફાલમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શાહે કહ્યું કે, ગેરસમજના કારણે હિંસા થઈ. રાજ્ય વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. છેલ્લા છ વર્ષમાં વિકાસના ઘણા કામો પણ થયા છે. જ્યારથી મણિપુરમાં ભાજપ સત્તામાં આવ્યું છે ત્યારથી તે હિંસા મુક્ત તરફ આગળ વધી રહ્યું છે. હિંસામાં જેણે પોતાનો જીવ ગુમાવ્યો તે દુઃખદ છે. છેલ્લા ત્રણ દિવસમાં હું વિવિધ વિસ્તારોમાં ગયો છું અને નાગરિકોને મળ્યો છું.

અમિત શાહે કહ્યું કે, મણિપુરમાં ડબલ એન્જિન સરકારે વિકાસના તમામ માપદંડોને પૂર્ણ કર્યા છે. 29 એપ્રિલના રોજ મણિપુર હાઈકોર્ટના ઉતાવળા નિર્ણયને કારણે અહીં બે જૂથો વચ્ચે જાતિય હિંસા અને હિંસા શરૂ થઈ ગઈ હતી. મારી અપીલ છે કે જેમની પાસે શસ્ત્રો છે તેઓ તેને સોંપી દે. આવતીકાલથી પોલીસ સમગ્ર મણિપુરમાં કોમ્બિંગ ઓપરેશન શરૂ કરશે.

અમિત શાહે  હિંસા આચરનારાઓને ચેતવણી આપતાં કહ્યું કે, આવા લોકોને બક્ષવામાં આવશે નહીં. લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરતાં તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિએ શાંતિ જાળવવી જોઈએ. તમામ લોકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. મેડિકલ હોય કે રાશન સપ્લાય, સરકાર બધા માટે પગલાં લઈ રહી છે.

અમિત શાહે મણિપુર પ્રવાસ દરમિયાન કુલ ૧૧ રાજકીય પક્ષો અને ખેલાડીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે હંગામી શિબિરોની મુલાકાત લીધી હતી. આ સાથે નાગરિકોના પ્રતિનિધિમંડળ અને કેબિનેટ મંત્રીઓ સાથે પણ બેઠક યોજાઈ હતી. તેમણે શાંતિ સ્થાપવા માટે મહિલા પ્રતિનિધિઓ અને બૌદ્ધિકો સાથે પણ ચર્ચા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *