ગુજરાત રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી ૫ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની ધારણા બંધાઈ છે.
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા બેથી ત્રણ દિવસથી રાજ્યના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં જણાવાયા અનુસાર આગામી ૫ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તો સાબરકાંઠા અને બનાસકાંઠામાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીની શકયતા પણ જોવા મળી રહી છે.હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહન્તી જણાવ્યા અનુસાર કચ્છમાં પણ થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીની શક્યતા જોવા મળી રહી છે.વધુમાં ૪ અને ૫ જૂને અમદાવાદમાં ૪૧ ડિગ્રી સુધીના તાપમાન પર યલો એલર્ટ જેવું આકરું વાતાવરણ રહે તેવું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના તાપમાનમાં ૧ ડિગ્રીનો વધારો થાય તેવા પણ અણસાર વર્તાઇ રહ્યા છે.
ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. જેમાં જણાવ્યું કે, ગુજરાતમાં ૨૫ મે થી રોહિણી નક્ષત્ર ચાલે છે, ૮ જૂન સુધી રોહિણી નક્ષત્ર રહેશે. ૮ જૂને મૃગશીર્ષ નક્ષત્ર બેસી જશે. રોહિણી નક્ષત્રના ચાર પાયા છે. પહેલા ભાગમાં વરસાદ થાય તો ૭૨ દિવસના વાયરા ફૂંકાય છે. બીજા ભાગમાં વરસાદ થાય તો એટલા વાયરાના દિવસ ઓછા ગણવા. એટલે પહેલા અને બીજા પાયામાં વરસાદ થયો છે. તેમજ રોહિણી ઉતરતા પણ વરસાદ થવાની શક્યતા છે.
- રાજ્યમાં આગામી ૫ દિવસ વાતાવરણ સૂકું રહેશે
- સાબરકાંઠા અને બનાસકાંઠામાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીની શકયતા
- કચ્છમાં પણ થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીની શક્યતા
- અમદાવાદમાં ૪૧ ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા
- ૪ અને ૫ જૂને અમદાવાદમાં યલો એલર્ટની સંભાવના
- રાજ્યના તાપમાનમાં ૧ ડિગ્રીનો થઈ શકે વધારો