રાહુલ ગાંધીએ વોશિંગ્ટન ડીસીમાં નેશનલ પ્રેસ ક્લબમાં મુસ્લિમ લીગને સેક્યુલર પાર્ટી ગણાવી હતી, આ અંગે ભાજપે રાહુલ પર વળતો પ્રહાર કર્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસ પર છે અને ત્યાં અલગ અલગ કાર્યક્રમોમાં જઈને ભાજપના નેતૃત્વ વાળી મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. એવામાં હવે રાહુલે મુસ્લિમ લીગને સેક્યુલર પાર્ટી ગણાવી હતી. જો કે હવે આ અંગે ભાજપે રાહુલ પર વળતો પ્રહાર કર્યો છે. જણાવી દઈએ કે બીજેપી નેતા અમિત માલવિયાએ કહ્યું કે, મુસ્લિમ લીગ પાર્ટી જે દેશના ભાગલા માટે જવાબદાર છે તે રાહુલ ગાંધીના મતે સેક્યુલર પાર્ટી છે. માલવિયાએ કહ્યું કે વાયનાડમાં સ્વીકાર્યતા જાળવી રાખવા માટે આ તેમની મજબૂરી છે.
રાહુલ ગાંધી વોશિંગ્ટન ડીસીમાં નેશનલ પ્રેસ ક્લબ પહોંચ્યા હતા અને ત્યાં એમને ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન જ્યારે રાહુલને કેરળમાં ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) સાથે કોંગ્રેસના ગઠબંધન વિશે પૂછવામાં આવ્યું તો રાહુલે કહ્યું કે, મુસ્લિમ લીગ સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ પાર્ટી છે. આમાં બિનસાંપ્રદાયિક કંઈ નથી. અંહિયા વાત એમ છે કે કેરળ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ કોંગ્રેસના ગઠબંધનનો ભાગ છે.
બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ આ મુદ્દે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કર્યું, “જિન્નાહની મુસ્લિમ લીગ, જે પાર્ટી ધાર્મિક આધાર પર ભારતના વિભાજન માટે જવાબદાર હતી, તે રાહુલના મતે સેક્યુલર પાર્ટી છે. વાયનાડમાં સ્વીકાર્યતા જાળવી રાખવાની આ તેમની મજબૂરી છે.” વાસ્તવમાં, ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ અમેઠીની સાથે વાયનાડથી ચૂંટણી લડી હતી. અમેઠીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે વાયનાડથી જીતીને તેઓ સંસદ પહોંચ્યા હતા. જો કે આ વર્ષે માર્ચમાં સુરત કોર્ટે રાહુલને માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારી હતી. આ પછી તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.