અમદાવાદના હાર્દ સમાન લાલ દરવાજાના બસસ્ટેન્ડને જયપુરના ગુલાબી પથ્થરથી હેરિટેજ થીમ અપાઇ

હેરિટેજ શહેરની ઓળખ ધરાવતું અમદાવાદ શહેરના હાર્દ સમાન લાલ દરવાજા વિસ્તારમાં આવેલા AMTS બસ સ્ટેન્ડનું સ્વર્ણિમ પ્રોજેક્ટ હેઠળ કરાતું બ્યુટિફિકેશનનું કામ લગભગ પૂર્ણ થવાના આરે છે. કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં બસ સ્ટેન્ડને લોકો માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે. બસસ્ટેન્ડના બિલ્ડિંગને એલિવેશન મોન્યુમેન્ટને ધ્યાનમાં લઈ હેરિટેજ થીમ પર બનાવવામાં આવ્યું છે. જયપુરના ગુલાબી પથ્થરોથી હેરિટેજ બસ સ્ટેન્ડને નવો લૂક આપવામાં આવ્યો છે. તેમજ ફાનસ પેટર્નની લાઈટોથી બસ સ્ટેન્ડના આકર્ષણમાં વધારો કરે છે. લાલ દરવાજા બસસ્ટેન્ડ પરથી ઓપરેટિંગ થતા બસ રૂટોની સંખ્યા ૪૯ છે અને બસની કુલ સંખ્યા ૧૧૮ છે. રોજ ૨.૨૫ લાખ લોકો લાલ દરવાજા ટર્મિનસથી અવર-જવર કરે છે. આ બસસ્ટેન્ડનું ૫ જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકો માટે ખુલ્લું મૂકશે.

બસસ્ટેન્ડના બિલ્ડિંગના પ્લેટફોર્મ અને પીલરનું બંસીપુર પહાડના પથ્થરોથી બાંધકામ કરવામાં આવ્યું છે. જેને પિંક સ્ટોન કહેવાય છે, જેનો ઉપયોગ અત્યારે રામમંદિરના નિર્માણમાં પણ થઈ રહ્યો છે. આ ટર્મિનસના બાંધકામ પાછળ કુલ ૮ કરોડ ૮૮ લાખનો ખર્ચ થયો છે. સીએનસી કટિંગમાં ચાલતા પથ્થરોનો ઉપયોગ કરી તૈયાર પથ્થર મગાવી નિર્માણ કરવામાં આવ્યું છે. આ જ પથ્થરોથી બધા જ કોલમને મઢી દેવામાં આવ્યાં છે. જે રીતે જૂના જમાનામાં હવેલીઓમાં કે હોટલ્સમાં પ્રવેશદ્વારને ભવ્ય લૂક આપવામાં આવતો હતો એ જ રીતે આગળ બે મોટા કોલમ રાખવામા આવ્યાં છે. જેના કારણે લોકોને હેરિટેજ બસ સ્ટેશનમાં આવતા હેરિટેજ થીમનો અનુભવ થાય. પાછળની બિલ્ડિંગનું નિર્માણ પણ એ જ પ્રકારે કરવામાં આવ્યું છે જેથી તે નાની દેખાય.

લોકોને બેસવાની વ્યવસ્થા માટે પણ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારણ કે સ્ટેનલેસ સ્ટીલની ખુરસીઓ મૂકવામાં આવે તો એ વરસાદમાં કાટી જાય છે. જેની જગ્યાએ પથ્થરનો ઉપયોગ કરાયો છે, જેથી વરસાદ પડે તો પથ્થરો ભીના થાય એટલે વધારે સુંદર દેખાય અને લોકો ગંદકી કરે તો પણ પથ્થરો ધોઈ એને આસાનીથી સાફ કરી શકાય છે. ખાસ વાત તો એ છે કે શેડની અંદર શીટ પણ એવી લગાવાઈ છે કે, જે નેચરલ લાઈટને અંદર આવવા દે. જેથી દિવસે લાઈટ ચાલુ કરવાની જરૂરિયાત ન પડે.

બન્ને બાજુ ૭૦ થી ૮૦ મીટર લાંબી હોરિઝોન્ટલ વોલ આવેલી છે. જેમાં હેરિટેજ એલિવેશનની સ્લાઈડ બનાવવામાં આવી છે. જે બન્ને બાજુની વોલ પર પેસ્ટ કરવામાં આવશે. જેમાં અમદાવાદની અંદર ૧૭ થી ૧૮ જેટલાં મોન્યુમેન્ટ્સ છે એ બધાનું ત્યાં એક રેપ્લિકા તૈયાર કરાવામાં આવશે. બિલ્ડિંગની અંદર એક લિનિયર વોલ છે, જેના પર જૂના જમાનાના બારી દરવાજા છે એનો ઉપયોગ કરી કંઈક ક્રિએટિવ કરી એએમટીએસની હિસ્ટ્રી દર્શાવવામાં આવશે. ફ્લોરિંગમાં ગ્રેનાઈટ અને કોટાસ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

દરેક પ્લેટર્ફોમ પર પ્રવાસીઓની સુવિધા માટે બસનાં રૂટ તથા સમયપત્રક માટે માહિતી ઉપલબ્ધ કરાવતી પબ્લિક ઈન્ફોર્મેશન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે, જેની સાથે સાથે દરેક પ્લેટર્ફોમ પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. દરેક પ્લટર્ફોમ પર આધુનિક કન્ટ્રોલ કેબિન જે બસોનું કન્ટ્રોલિંગ તથા પ્રવાસીઓને માહિતી આપશે. દરેક પ્લેટફોર્મ પર ડિજિટલ સાઈન બોર્ડ લગાવવામાં આવ્યું છે. દરેક પ્લેટફોર્મ પર બસોની એન્ટ્રીમાં બસની ગતિ ધીમી પડે તે માટે સ્પીડબ્રેકર લગાવાયું છે. જેના કારણે અકસ્માતને નિવારી શકાય.

રાજસ્થાનના માર્બલથી બસ ટર્મિનસની જગ્યામાં સામાન્ય કરતાં ચારથી પાંચ ડિગ્રી ઓછું તાપમાન રહેશે. જેનાથી ઉનાળામાં નાગરિકોને વધારે ગરમીનો સામનો નહીં કરવો પડે. આ અદ્યતન બસ ટર્મિનસમાં વર્ષ ૧૯૪૭ માં અમદાવાદમાં લાલ બસ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીની AMTSનો ઇતિહાસ દર્શાવતી તમામ માહિતી અને સીસીટીવી કેમેરાથી સજ્જ બસ સ્ટેન્ડથી રોજના ૨.૨૫ લાખ પ્રવાસીઓને ફાયદો થશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં લાલ બસ શરૂ થઈ ત્યારથી લાલ દરવાજા બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું. અમદાવાદની ઓળખ સમાન એવા લાલ દરવાજા બસ ટર્મિનસને હેરિટેજ લૂક આપી અને તૈયાર કરવામાં આવ્યું છે. ૧૧૫૮૪ ચોરસ મીટર જગ્યામાં આ બસ ટર્મિનસ તૈયાર કરવામાં આવ્યું છે. ટર્મિનસનું મુખ્ય બિલ્ડિંગ પ્લેટફોર્મને નં. ૦ અને ૧ વચ્ચે બાંધવામાં આવ્યું છે.

ટર્મિનસ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર શું વ્યવસ્થા

  • આસિસ્ટન્ટ મેનેજરની ઓફિસ
  • કેબિન ઇન્સ્પેક્ટરની ઓફિસ
  • એક્સિડેન્ટ ઇન્સ્પેક્ટરની ઓફિસ
  • બુકિંગ ઓફિસ
  • ઇન્ક્વાયરી ઓફિસ
  • પીવાના પાણીની સુવિધા
  • પ્રવાસીઓની ફરિયાદના નિકાલ માટે અલગ કંટ્રોલરૂમ

ટર્મિનસના પ્રથમ માળ પર

  • કેશ ક્લેકશન કેબિન
  • મિટિંગ હોલ
  • ડિરેક્ટર ઓફ ટ્રાફિકની ઓફિસ
  • VIP વેઇટિંગ રૂમ
  • ઈલેક્ટ્રિક અને સોલર પાવર કેબિન
  • ટિકિટ મશીન રૂમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *