હિંસાગ્રસ્ત મણિપુરમાં શસ્ત્રાગારમાંથી લૂંટાયેલા હથિયારો પરત મેળવવા માટે સેના અને પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
હિંસાગ્રસ્ત મણિપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અપીલની અસર જોવા મળી રહી છે. મોટા પ્રમાણમાં લોકો લૂંટેલા હથિયારો અને દારૂગોળા સરેન્ડર કરી રહ્યા છે. શુક્રવારે સવારથી જ રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં લોકો ચોરીના હથિયારો સરેન્ડર કરીને જઈ રહ્યા છે. મણિપુર પોલીસે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રીની અપીલ બાદ મણિપુરમાં અલગ-અલગ સ્થળો પર ૧૪૦ હથિયાર સોંપવામાં આવ્યા છે.
અમિત શાહ હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરની ૪ દિવસીય મુલાકાત પૂર્ણ કરીને રાજધાની દિલ્હી પરત ફર્યા છે. દિલ્હી આવતા પહેલા તેમણે રાજ્યભરના બંને સમુદાયના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, શુક્રવારથી પોલીસ રાજ્યમાં હથિયારો જપ્ત કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરશે.
શાહની અપીલના ૨૪ કલાકમાં જ મોટી માત્રામાં હથિયારો સરેન્ડર કરવામાં આવ્યા છે. મણિપુર પોલીસે જણાવ્યું કે, સરેન્ડર કરવામાં આવેલા ૧૪૦ હથિયારોમાં SLR ૨૯, કાર્બાઈન, એકે, ઈન્સાસ રાઈફલ, ઈન્સાસ એલએમજી, ૩૦૩ રાઈફલ, ૯mm પિસ્તોલ, ૩૨ પિસ્તોલ, M૧૬ રાઈફલ, સ્મોક ગન અને ટીયર ગેસ, લોકલ મેડ પિસ્તોલ, સ્ટન ગન, મોડીફાઈડ રાઈફલ, જેવીપી અને ગ્રેનેડ લોન્ચર સામેલ છે.
આપને જણાવી દઈએ કે હિંસાગ્રસ્ત મણિપુરમાં શસ્ત્રાગારમાંથી લૂંટાયેલા હથિયારો પરત મેળવવા માટે સેના અને પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ડ્રોન દ્વારા દેખરેખ અને સુરક્ષા દળોની તૈનાતી પણ ચાલુ છે. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ ગુરુવારે કહ્યું હતું કે, તેમને (હથિયારો) પરત લાવવા માટે જરૂર પડ્યે બળનો ઉપયોગ પણ કરવામાં આવશે. બીજી તરફ તેમણે સૈનિકોને બે લડતા વંશીય સમુદાયો વચ્ચે સંપૂર્ણપણે તટસ્થ રહેવાની કડક સૂચના આપી છે.