પીએમ મોદીએબચાવ કાર્ય વિશે જાણવા માટે મીટિંગ બોલાવી
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલા અકસ્માતમાં હવે પીએમ મોદી એક્શન મોડમાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, પીએમ મોદીએ અત્યાર સુધીના બચાવ કાર્ય વિશે જાણવા માટે એક મીટિંગ બોલાવી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ ઘટનામાં ૨૮૮ લોકોના મોત થયા છે અને ૯૦૦ થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
બાલાસોર ટ્રેન દુર્ઘટનાને લઈ NDRF, ભારતીય સેના, ભારતીય વાયુસેના, સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ, આર્મી મેડિકલ કોર્પ્સ અકસ્માત સ્થળે બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના સીએમ નવીન પટનાયકે શનિવારે (૩ જૂન) સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે, રેલ્વે મંત્રીએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર તપાસના આદેશ આપ્યા છે.
NDRFના ડીજી અતુલ કરવલે જણાવ્યું છે કે, NDRFની ૯ ટીમો અકસ્માત સ્થળ પર તૈનાત છે. અમારી પ્રથમ ટીમ ઘટનાના પોણા કલાકમાં જ ત્યાં પહોંચી ગઈ હતી. ૩૦૦ થી વધુ લોકો બચાવ કાર્યમાં રોકાયેલા છે અને અમે આજે સાંજ સુધીમાં ત્યાં કામગીરી પૂર્ણ કરી શકીશું.
લોકો રક્તદાન કરવા માટે જિલ્લા હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. રક્તદાન કરવા આવેલા એક વ્યક્તિએ કહ્યું, લોકોની હાલત ખૂબ જ નાજુક છે, ઘણા એવા લોકો છે જેમના પગ અને હાથ નથી. મેં રક્તદાન કર્યું જેથી કોઈનો જીવ બચી શકે અને તેઓ પોતાના ઘરે જઈ શકે.
કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ પાટીલ દાનવેએ કહ્યું કે, અમારી પ્રથમ પ્રાથમિકતા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવાની છે. અકસ્માત માનવ ભૂલ કે ટેકનિકલ કારણોસર થયો છે તે નક્કી કરવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.