મહારાષ્ટ્રના મહાવિકાસ અઘાડીના નેતાઓ અવાર-નવાર દાવો કરતા રહે છે કે, શિંદે સરકાર જલ્દી પડી જશે. પરંતુ શિંદે અને ભાજપ વચ્ચે ગઠબંધન વધુ મજબૂત થઈ રહ્યું છે
મહારાષ્ટ્રના રાજકારણને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, મહારાષ્ટ્રના મહાવિકાસ અઘાડીના નેતાઓ અવાર-નવાર દાવો કરતા રહે છે કે, શિંદે સરકાર જલ્દી પડી જશે. પરંતુ શિંદે અને ભાજપ વચ્ચે ગઠબંધન વધુ મજબૂત થઈ રહ્યું છે. આ ગઠબંધનને વધુ મજબૂત કરવા માટે રાજ્યના સીએમ એકનાથ શિંદે અને Dy.સીએમ દેવેન્દ્ર ફડણવીસ રવિવારે દિલ્હીના પ્રવાસે ગયા હતા. જ્યાં તેઓએ કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે સીએમ એકનાથ શિંદે અને Dy.સીએમ દેવેન્દ્ર ફડણવીસે મુલાકાત કરી છે. આ બેઠકમાં રાજ્યના રાજકારણને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, ભાજપ અને શિવસેના આગામી તમામ ચૂંટણીઓ ગઠબંધન કરીને લડશે. આ ચૂંટણીઓમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેની દિલ્હી મુલાકાત પહેલા જ એવી અટકળો વહેતી થઈ હતી કે, રાજ્યના રાજકારણમાં કંઈક મોટું થવાની સંભાવના છે. કારણ કે NCPના વડા શરદ પવાર પણ તેમની દિલ્હી મુલાકાત પહેલા તેમને મળ્યા હતા. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ઉદ્ધવ ઠાકરે વિદેશ પ્રવાસે ગયા છે. મુખ્યમંત્રી બન્યા બાદ શરદ પવાર શિંદેના ઘરે ગયા અને તેમને પહેલીવાર મળ્યા.