અમદાવાદની ઓળખ સમાન ઐતિહાસિક રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ, અનેક યુવા IPS અધિકારીઓ પહેલી વખત રથયાત્રાનો બંદોબસ્ત સંભાળશે, ટેક્નોલોજીને વધુ મહત્ત્વ અપાયું.
ઇતિહાસમાં પહેલી વખત ઇન્ચાર્જ પોલીસ કમિશનરના નેતૃત્વમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે. પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવ નિવૃત્ત થયા બાદ તેમની જગ્યાએ ક્રાઇમ બ્રાંચના જેસીપી પ્રેમવીરસિંહને ઈન્ચાર્જ પોલીસ કમિશનરનો તાજ પહેરાવવામાં આવ્યો છે. જ્યાં સુધી અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ગૃહ વિભાગ સત્તાવાર નામ જાહેર ના કરે ત્યાં સુધી પ્રેમવીરસિંહ ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવશે.
રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને પોલીસ દરેક પાસાંઓ પર માઇક્રોલેવલે કામ કરી રહી છે. ૨૦ જૂને અષાઢી બીજ છે ત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામની રથયાત્રા શહેરમાં નીકળશે. દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે, જેને જોવા માટે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. રથયાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ લોખંડી સુરક્ષા ગોઠવી દેતી હોય છે. રથયાત્રાના બે મહિના પહેલાંથી પોલીસ એલર્ટ મોડ પર આવી જતી હોય છે અને દરેક પાસાંઓ પર ધ્યાન આપીને બંદોબસ્તનો માસ્ટર પ્લાન બનાવતી હોય છે. હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, સુરક્ષાદળની ટીમ સિહતના જવાનો રથયાત્રામાં તહેનાત હોય છે.
શહેર પોલીસ હથિયાર લઇને ફરતા ટપોરીઓને ઝડપી રહી છે. આ ઉપરાંત કેટલાક ગુનેગારોને પાસા હેઠળ ધકેલી દીધા છે, જ્યારે કેટલાકને તડીપાર કરવામાં આવ્યા છે. જેમ જેમ રથયાત્રા નજીક આવે તેમ તેમ અમદાવાદને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી રહ્યું છે. રોજ રાતે અમદાવાદમાં એન્ટ્રી થતા તમામ રસ્તા પર બેરિકેડ મૂકીને સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે શહેરમાં પણ લોખંડી સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. છેલ્લા બે દાયકામાં ક્યારેય પણ રથયાત્રાના બંદોબસ્તની જવાબદારી ઇન્ચાર્જ પોલીસ કમિશનરે નથી સંભાળી. પહેલી વખત ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ રથયાત્રાની સંપૂર્ણ જવાબદારી સંભાળશે.
અમદાવાદમાં પ્રેમવીરસિંહ, અજય ચૌધરી, ચૈતન્ય માંડલીક, અશોક મુનિયા તેમજ કાનન દેસાઇને બાદ કરતાં લગભગ તમામ આઇપીએસ અધિકારીઓ નવા છે, જેઓ પહેલી વખત રથયાત્રાનો બંદોબસ્ત સંભાળશે. અમદાવાદમાં વર્ષ ૨૦૦૨ થી કુલ ૧૩ પોલીસ કમિશનર બદલાયા છે, જેમાં મોહન ઝા માત્ર થોડા મહિના માટે ઇન્ચાર્જ પોલીસ કમિશનર બન્યા હતા. આ સિવાય જો પોલીસ કમિશનર રજા ઉપર જાય તો તેમની જગ્યા પર ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંખ્યાબંધ પોલીસ અધિકારીઓ બની ચૂક્યા છે.