વાવાઝોડા મુદ્દે સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે. જેમાં વાવાઝોડું ગુજરાતથી દૂર રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.
સ્કાયમેટ દ્વારા વ્યક્ત કરાયેલી સંભાવના મુજબ વાવાઝોડું ગુજરાત તરફ આવે તો કરાંચી બાજુ જવાની સંભાવના જોવા મળી રહી છે. તથા વાવાઝોડું ગુજરાત તરફ નહીં આવે તો ઓમાન તરફ ફંટાઈ જશે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે વાવાઝોડું ફંટાયા બાદ પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેની પ્રતિકૂળ અસર જોવા મળશે. આ અસરને પગલે આગામી તા. ૧૧ અને ૧૨ જૂનના રોજ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકી શકે છે. બીજી બાજુ કચ્છ અને પશ્વિમ સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે પવન આવે તેવી શકયતા જોવા મળી રહી છે.
વાવાઝોડાને લઈ તંત્ર એક્શનમાં છે. જેને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદરો પર ૨ નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ત્યારે વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું કે વાવાઝોડું ગોવાથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ સમુદ્રમાં ૯૦૦ કિલોમીટર દૂર છે. જ્યારે મુંબઈથી દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં ૧, હજાર ૨૦ કિલોમીટર દૂર અને પોરબંદરથી વાવાઝોડું દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ સમુદ્રમાં ૧ હજાર ૯૦ કિલોમીટરના અંતરે છે. આગામી 24 કલાકમાં વાવાઝોડાની અસર વર્તાવાની સંભાવનાઓ છે. આવતીકાલે બપોરથી વાવાઝોડું વધારે ખતરનાક બનવાની શક્યતા છે. ૧૧ જૂન બપોર સુધી વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ સાથે આગળ વધી શકે છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. વાવાઝોડુ ગુજરાતને અસર કરશે તો તોફાની પવન સાથે વરસાદ થઈ શકે છે.