રશિયાએ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં યુક્રેન પર નોવા કાખોવકા ડેમને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા યુક્રેને રશિયા પર આ ડેમને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ડેમના વિનાશને કારણે લગભગ ૬૦૦ ચોરસ કિલોમીટર વિસ્તાર પ્રભાવિત થયો છે, હજારો લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. યુક્રેનિયન સૈન્યએ ડ્રોન દ્વારા કેટલાક ઘરોમાં પાણી અને ખોરાકની બોટલો પહોંચાડી છે. અત્યાર સુધીમાં પૂર પ્રભાવિત વિસ્તારમાંથી ૨,૦૦૦ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
આ પહેલા મંગળવારે દક્ષિણ યુક્રેનમાં નોવા કાખોવકા ડેમ વિસ્ફોટમાં નાશ પામ્યો હતો, જેના કારણે જીવન અને પર્યાવરણને ભારે નુકસાન થયું હતું. યુરોપના સૌથી મોટા બંધોમાંના એક ડેમમાં આશરે ૧૮ ક્યુબિક કિલોમીટર પાણી હતું. આ ડેમ દક્ષિણ યુક્રેનના મોટા વિસ્તારને પીવાનું પાણી અને સિંચાઈ પૂરી પાડતો હતો, સાથે સાથે યુક્રેનના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટને ઠંડુ પાણી પૂરું પાડતો હતો. . આ ડેમના તૂટવાથી રશિયા અને યુક્રેન બંનેના કબજા હેઠળના વિસ્તારોને ગંભીર અસર થઈ છે.