ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે

બિપોરજોય વાવાઝોડું ત્રાટક્વાની સંભાવનાને પગલે વડાપ્રધાન કાર્યાલય પણ સક્રિય બન્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રથી NDRFની ૨ ટીમ ગુજરાત મોકલવામાં આવી છે.

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.  અરબી સમુદ્રમાં શક્તિશાળી બનેલું વાવાઝોડું હાલ પોરબંદરથી ૩૪૦ કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી ૩૮૦ કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૧૫ જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાઈ શકે છે. આ વચ્ચે બિપોરજોય વાવાઝોડાને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડું ત્રાટક્વાની સંભાવનાને પગલે વડાપ્રધાન કાર્યાલય પણ સક્રિય બન્યું છે.

બિપોરજોય વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠે ૯ નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદર, દ્વારકા, જામનગર અને મોરબીમાં ૯ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. કચ્છના બંદરો પર પણ ૯ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. પોરબંદર બાદ હવે કચ્છમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા દરિયાકિનારાના વિસ્તારમાં કલમ ૧૪૪ લગાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ મંત્રીઓને દરિયાકાંઠાના અલગ – અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. તો કેન્દ્ર સરકાર  પર સ્થિતિ પર નજર રાખી રહી છે.

અમરેલીના જાફરાબાદ બંદર પર ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે નંબર ૩ નું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જાફરાબાદનો દરિયો વધુ રફ બનતા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં કરંટ વધતા જાફરાબાદ બંદર પર સતર્કતા વધારાઈ છે. જાફરાબાદ બંદર પર ૨ નંબરનું સિગ્નલ હટાવી ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે.

ગીર સોમનાથમાં વાવાઝોડાના ખતરાને પગલે સ્થળાંત્તર કરાયું છે. ગીર સોમનાથ પોલીસે દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લાને વાવાઝોડાના ખતરા સંદર્ભે યલો ઝોનમાં મુકાયો છે. વાવાઝોડાંના પગલે માંડવી અને અબડાસાના ૬૭ ગામોના ૮,૩૦૦ લોકોને શેલ્ટર હોમ ખાતે સ્થાનાંતર કરવાની તૈયારી હાલ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *