આજે છે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ

વર્ષ ૨૦૦૨ માં પ્રથમ વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ મનાવવાની શરૂઆત કરી હતી

આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા (ILO) દ્વારા દર વર્ષે ૧૨ મી જૂનને બાળ મજૂરી વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. બાળ મજૂરીમાં રોકાયેલા બાળકોની દુર્દશાને પ્રકાશિત કરવાના હેતુથી વર્ષ ૨૦૦૨ માં પ્રથમ વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. બાળ મજૂરીનું મુખ્ય કારણ આર્થિક-સામાજિક સમસ્યા છે. યુનિસેફના મત મુજબ, બાળકોને નોકરી એટલા માટે રાખવામાં આવે છે કારણ કે તેમનું સરળતાથી શોષણ થઈ શકે છે. સામાન્ય રીતે પ્રથમ કારણ ગરીબી છે. આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. આ હકીકતને ધ્યાને રાખીને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં બાળ શ્રમયોગી અધિનિયમના સફળ અમલીકરણ માટે રાજ્યમાં સૌપ્રથમ વખત વર્ષ ૨૦૦૯માં ‘બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી’ માટે “સ્ટેટ એક્શન પ્લાન ફોર એલિમીનેશન ઓફ ચાઇલ્ડ લેબર સિસ્ટમ” બનાવવામાં આવી હતી. હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં બાળ અને કિશોર શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ- ૧૯૮૬ નું અસરકારક અમલીકરણ થઈ રહ્યું છે. રાજ્ય સરકારની શ્રમ આયુક્તની કચેરી દ્વારા વર્ષ ૨૦૨૨ માં બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી માટે ૧૨૭૮ જેટલા છાપા મારીને ૧૨૭ બાળકો તેમજ 28 તરૂણો સહિત ૧૫૫ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યાં છે. વર્ષ ૨૦૨૩ માં પણ આ અભિયાન ચાલુ જ છે.

બાળ મજૂરીના કારણો

બાળ મજૂરીનું મુખ્ય કારણ આર્થિક-સામાજિક સમસ્યા છે. યુનિસેફના મત મુજબ, બાળકોને નોકરી એટલા માટે રાખવામાં આવે છે કારણ કે તેમનું સરળતાથી શોષણ થઈ શકે છે. સામાન્ય રીતે પ્રથમ કારણ ગરીબી છે, જેના કારણે બાળકો તેમની ઉંમરના પ્રમાણમાં સખત મહેનત કરે છે. પરંતુ આ સિવાય વસ્તી વિસ્ફોટ, સસ્તી મજૂરી, ઉપલબ્ધ કાયદાઓનો અમલ ન કરવો, બાળકોને શાળાએ મોકલવામાં માતા-પિતાની અનિચ્છા પણ જવાબદાર છે. ઘણા કિસ્સામાં માતા-પિતા કે વાલીઓ તેમના બાળકોને શાળાને બદલે કામ પર મોકલવાનું પસંદ કરે છે, જેથી કુટુંબની આવકમાં વધારો થઈ શકે.

આંતરરાષ્ટ્રીય મંજૂર સંસ્થાન દ્વારા નોબલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીની ઉપસ્થિતિમાં ભારતમાં પણ ઇવેન્ટ યોજાશે

વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ પર આંતરરાષ્ટ્રીય મંજૂર સંસ્થાન દ્વારા ભારતમાં પણ ‘સોશિયલ જસ્ટિસ ફોર ઓલઃ હાઉ ટુ એન્ડ ચાઈલ્ડ લેબર’ મુદ્દે કલકત્તા ખાતે આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદના ૧૧૧ માં સત્ર દરમિયાન ILO દ્વારા એક ઉચ્ચ સ્તરીય સાઇડ ઇવેન્ટ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીની ઉપસ્થિતિમાં યોજાશે. આ ઇવેન્ટ દરમિયાન સામાજિક ન્યાય અને બાળ મજૂરી નાબૂદી વચ્ચેની કડી પર ધ્યાન કેન્દ્રિત કરી ચર્ચા-વિમર્શ કરાશે. જેમાં ઉપસ્થિત પેનલિસ્ટ આઈ.એલ.ઓ.ના ઘટકો દ્વારા તેની પ્રતિબદ્ધતાઓ પર સતત કાર્ય થકી સામાજિક ન્યાય વધારવા માટેના પગલાઓ કેવા મહત્વપૂર્ણ સાબિત થયા છે તે અંગેના ઉદહરણો ઉપર ભાર મૂકશે.

આ પેનલિસ્ટની યાદીમાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ગિલ્બર્ટ એફ. હોંગબો, ચિલીના શ્રમ અને સામાજિક સુરક્ષા મંત્રી જીનેટ જારા રોમન, ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ એમ્પ્લોયર્સના ડેપ્યુટી સેક્રેટરી જનરલ જેરોમ બેલિયન-જોર્ડન, નોબલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી, વર્કર ગ્રુપ માટે ILO ગવર્નિંગ બોડીના સભ્ય પાઓલા ડેલ કાર્મેન, એલાયન્સ 8.7ના ચેરપર્સન અનુશેહ કરવર, ભારતના યુથ એડવોકેટ કિન્સુ કુમારનો સમાવેશ થાય છે.

રાજ્યમાં કાયદાનું ઉલ્લંઘન કરીને બાળકોને નોકરી પર રાખવાની સજા 

બાળ અને કિશોર શ્રમયોગીઓને કાયદાથી વિરુદ્ધ કામે રાખવા પર માલિકોને પ્રથમવારના ગુન્હા માટે સજાની જોગવાઈ વધારવામાં આવી છે. જે મુજબ રૂ. ૨૦ હજારથી લઈ રૂ.૧ લાખ સુધીનો દંડ અથવા છ મહિનાથી બે વર્ષ સુધીની જેલ અથવા બંને સજા થઈ શકે છે. જ્યારે આવા જ પ્રકારના બીજી વખતના ગુન્હામાં એ જ માલિકને એક વર્ષથી લઈને ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ રાજ્ય સરકારે બાળ અને કિશોર શ્રમ (પ્રતિબંધ અને નિયમન)(ગુજરાત સુધારા) વિધેયક-૨૦૨૦થી બાળ અને કિશોર શ્રમ પ્રતિબંધ અને નિયમન અધિનિયમ-૧૯૮૬માં કરાયેલ સુધારા મુજબ દંડની મહત્તમ રકમ રૂ. ૫૦ હજારના સ્થાને રૂ. ૧ લાખ કરવામાં આવી છે.  બાળ/ કિશોર શ્રમયોગીઓને કામે રાખવાના ગુન્હાને પોલીસ અધિકાર ક્ષેત્રનો ગુન્હો એટલે કે કોગ્નીઝેબલ ઓફેન્સ ગણવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ આ કાયદાના ભંગ બદલ કોઈપણ વ્યક્તિ એફ.આઈ.આર. દાખલ કરી શકે છે. એટલે કે આ કાયદાનું ઉલ્લંઘન કરતા પકડાય તો વોરંટની ગેરહાજરીમાં પણ ધરપકડ કે તપાસ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *