ગુજરાત મોટી કુદરતી આપદાનો સામનો કરી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ૮,૦૦૦ કરોડની મોટી યોજના જાહેર કરી છે.
ગુજરાત હાલમાં અતિ ગંભીર કેટેગરીના વાવાઝોડા બિપોરજોયનો સામનો કરી રહ્યું છે. ૧૫ જુન સુધીમાં બિપોરજોય જખૌ બંદર નજીક ત્રાટકવાની આગાહી કરાઈ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે કુદરતી આપદા માટે મોટા ફંડનું એલાન કર્યું છે. મંગળવારે નવી દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગો સાથે બેઠક યોજી હતી.
અમિત શાહે કહ્યું કે રાજ્યોમાં ફાયર સેવાઓના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે કુલ રૂ. ૫,૦૦૦ કરોડનો પ્રોજેક્ટ, સૌથી વધુ વસ્તી ધરાવતા સાત મહાનગરો – મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને પુણે માટે રૂ. ૨,૫૦૦ કરોડનો પ્રોજેક્ટ – શહેરી પૂરના જોખમને ઘટાડવા માટે અને ૧૭ રાજ્યોમાં ભૂસ્ખલન નિવારણ માટે ૮૨૫ કરોડની રકમનો સમાવેશ થાય છે.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રીઓની બેઠક બાદ શાહે કહ્યું હતું કે છેલ્લાં નવ વર્ષમાં કેન્દ્ર સરકાર અને રાજ્યોએ આ ક્ષેત્રમાં ઘણું બધું હાંસલ કર્યું છે. કોઈ તેનો ઈન્કાર ન કરી શકે. તેમણે ઉમેર્યું હતું કે, જે રાજ્યોમાં પરમાણુ ઊર્જા મથકો સ્થાપવામાં આવી રહ્યા છે, તેમને કોઈ પણ કટોકટીની પરિસ્થિતિમાં અનુસરવા માટે કડક પ્રોટોકોલ આપવામાં આવ્યો છે.