અમદાવાદમાં બપોરના ૦૨:૦૦ વાગ્યા પછી ભારે વરસાદ શરૂ થયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તા પાણી-પાણી થઈ ગયા છે.
બિપોરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ વર્તાઈ રહી છે. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો અમદાવાદમાં બપોરના ૦૨:૦૦ વાગ્યા પછી ભારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. શહેરના બોડકદેવ, એસ.જી.હાઈવે, વસ્ત્રાપુર, શિવરંજની, નારોલ, વિશાલા, પંચવટી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તા પણ પાણી-પાણી થઈ ગયા છે.તો વરસાદની સાથે શહેરમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. મહત્વનું છે કે, આજે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે.
ભારે વરસાદ તથા ઈમર્જન્સીની સ્થિતિમાં નાગરિકોને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બલ્ક મેસેજથી સ્થિતિની જાણકારી મળી રહે તે મુજબની વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોનું જાહેર રોડ પરના પોલીસ કેમેરા, સ્માર્ટ સિટી કેમેરા, બીઆરટીએસ કેમેરા, ચાર રસ્તા પરના કેમેરા તેમજ અંડરપાસના કેમેરાથી પાલડી ખાતેના મ્યુનિ. મોન્સૂન કંટ્રોલરૂમથી સતત ઓનલાઈન મોનિટરિંગ કરાઈ રહી છે. ખાસ તો ભારે વરસાદ વખતે વરસાદી પાણી ભરાઈ જવાથી નાગરિકોને હાલાકી ન પડે તે માટે ટ્રાફિક ડાઈવર્ઝન ઉપરાંત જંક્શન પર ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે શહેર ટ્રાફિક પોલીસ સ્ટાફને વાયરલેસ સિસ્ટમની સાથે હાજર રાખવામાં આવ્યો છે.
બિપરજોય વાવાઝોડાને અંગે AMC દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યાં છે. સંભવિત વાવાઝોડાને પગલે ૧૫ અને ૧૬ જૂન બે દિવસ અટલ બ્રિજ અને સાબરમતી રિવરફ્રન્ટનો લોઅર પ્રોમીનાડ લોકોની અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભારે પવન અને વરસાદની આગાહીને પગલે શહેરમાં જ્યાં પણ ભયજનક મકાનો, હોર્ડિંગસ તેમજ ઘટાદાર વૃક્ષો હોય તેને ઉતારી લેવાની સૂચના આપી દેવાઈ છે. ૧૦૦૦ થી વધુ ઝાડ ટ્રીમગ કરવામાં આવ્યા છે. ૪૪ ભયજનક મકાન ઉતારવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ પાણી ભરાવાની સમસ્યા સર્જાય ત્યારે તેના નિકાલ માટે હેવી પંપ પણ મૂકવામાં આવ્યા છે.