ચક્રવાત બિપરજોયને કારણે સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૦ તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કચ્છના અંજાર અને માંડવીમાં ૯ ઈંચ તો ભચાઉ અને ભૂજમાં સાડા આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠામાં પાછલા કલાકોમાં તોફાની વરસાદ થતાં ઠેરઠેર પાણી ભરાયા છે. ૧૭ મી જૂનના સવારના ૦૬:૦૦ વાગ્યા સુધીમાં બનાસકાંઠામાં તોફાની વરસાદ વરસ્યો છે. જેમાં વડગામ, ધાનેરા, દિયોદર, ભાભર, સુઈગામ, ડીસા, પાલનપુરમાં વરસાદ નોંધાયો છે. દ્વારકા, બનાસકાંઠા, રાજકોટ અને જામનગરમાં પણ ૪ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
રાજ્યમાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ, પાટણ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.