પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદે ફરી એકવાર ભારતના પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઝેર ઓક્યું છે. મિયાંદાદે કહ્યું કે મોદી સંપૂર્ણપણે અલગ માર્ગ પર ચાલી રહ્યા છે અને એક દિવસ એવો આવશે જ્યારે તેમના જ સમુદાયના લોકો તેમને મારી નાખશે. આ ઉપરાંત મિયાંદાદે દાવો કર્યો કે, પાકિસ્તાન ક્રિકેટ ભારતીય ક્રિકેટ કરતા વધુ સારી અને શક્તિશાળી છે. મિયાંદાદનું કહેવું છે કે, જ્યાં સુધી ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમવા ન આવે ત્યાં સુધી પાકિસ્તાને ભારતમાં ક્રિકેટ રમવા ન જવું જોઈએ. પાકિસ્તાન એશિયા કપ ૨૦૨૩ ની યજમાની કરવાનું છે પરંતુ ભારતીય ટીમ પાકિસ્તાનમાં કોઈ મેચ નહીં રમશે. ૨૦૨૩ નો વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે અને પાકિસ્તાને તેની તમામ મેચો ત્યાં જ રમવાની રહેશે.
જાવેદ મિયાંદાદે કહ્યું કે, જો મારા હાથમાં હોય તો હું ભારત જવાની ના જ પાડી દઉં. ભારતનો અહીં આવવાનો ટર્ન છે. ભારતે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા આવવું જોઈએ. આપણે ત્યાં રમીને આવ્યા છીએ. પહેલા આવું જ ચાલતુ હતું કે, એક વર્ષ એ લોકો આવે અને એક વર્ષ આપણે જઈએ. પરંતુ તેઓ જે રીતે વર્તે છે અને ખાસ કરીને આ મોદી. તેમણે તો બધુ તબાહ કરી નાખ્યું છે. તેઓ દેશને પણ ખતમ કરી દેશે. એક સમય એવો આવશે જ્યારે તેના જ લોકો મોદીને મારી નાખશે. કારણ કે તેઓ સંપૂર્ણપણે અલગ દિશામાં જઈ રહ્યા છે. તમે પાડોશીને કેવી રીતે બદલી શકો છો? તમે ક્યારેય પાડોશીને હટાવી ન શકો. તમે જે આગ ફેલાવી રહ્યા છો તેનો બંને તરફ ફાયદો નહીં થાય.
જાવેદ મિયાંદાદે આગળ કહ્યું કે, રમત એક એવી વસ્તુ છે જે બે દેશોને જોડે છે અને તેનાથી તમારા સંબંધો વધે છે. તેથી મારે સ્પષ્ટપણે કહેવું છે કે, જ્યાં સુધી ભારત આવીને અમારી સાથે નહીં રમે ત્યાં સુધી અમારે ત્યાં જઈને રમવાની જરૂર નથી. અમે તેમના કરતા સારા છીએ. અમારું ક્રિકેટ તેમના કરતા ઘણું ઊંચું અને ખૂબ જ મજબૂત છે. અમને તેની ચિંતા નથી. હું કહું છું કે, ઈન્ડિયા ભાડમાં જાય આપણને શું ફર્ક પડે. અમે અમારા માટે કાફી છીએ. એશિયા કપ ૨૦૨૩ ની યજમાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ જ કરશે. જોકે, તે હાઈબ્રિડ મોડલ પર રમવામાં આવશે અને તેની વધુ પડતી મેચોનું આયોજન શ્રીલંકામાં જ થશે. પાકિસ્તાનમાં માત્ર ચાર મેચ રમાશે જ્યારે આ ટૂર્નામેન્ટની નવ મેચ શ્રીલંકામાં રમાશે.