લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, ૩૫ વર્ષથી કોંગ્રેસમાં રહેલા બનાસકાંઠાના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈએ ધારણ કર્યો ભાજપનો ખેસ.
લોકસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ગુજરાત કોગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. બનાસકાંઠાના કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારી (દેસાઈ) ભાજપમાં જોડાયા છે. ગોવાભાઇ રબારી ડીસા માર્કેટયાર્ડ ખાતે જાહેરસભા યોજ્યા બાદ ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા તેમને ખેસ પહેરાવીને ભાજપમાં વિધિવત રીતે આવકારવામાં આવ્યા છે.
ગોવાભાઈ દેસાઈના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. ગોવાભાઇ દેસાઈના સમર્થનમાં ૨૦૦ થી વધુ કોંગ્રેસ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. ગોવાભાઈ ભાજપના સાંસદ, ધારાસભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિતમાં જોડાયા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ગોવાભાઈને ભાજપમાં લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓએ ખેલ પાડ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુચાવાડા ગામના રહેવાસી ગોવાભાઈ દેસાઈ ૩૫ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓ અત્યાર સુધીમાં ૭ વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી હતી. જોકે, આ ચૂંટણીમાં સંજય રબારીનો પરાજય થયો હતો. તેમની ભાજપના ઉમેદવાર સામે હાર થઈ હતી.