અમેરિકાની ચિપ બનાવતી કંપની માઈક્રોન, ગુજરાતમાં ચીપ સંકલન અને પરીક્ષણ માટે ૮૨ કરોડ ડોલરનું મૂડીરોકાણ કરશે. માઈક્રોન અને કેન્દ્ર તથા ગુજરાત સરકારનું સંયુક્ત રોકાણ ૨૭૫ કરોડ ડોલરનું થશે. માઈક્રોને એક નિવેદનમાં જણાવ્યું કે ગુજરાતમાં આ નવી સુવિધાનું તબક્કાવાર કામકાજ આ વર્ષે જ શરૂ થવાની ધારણા છે. પ્રથમ તબક્કામાં પાંચ લાખ ચોરસ ફૂટ જગ્યામાં તેનું એકમ વિકસાવવામાં આવશે. ૨૦૨૪ના અંતમાં આ એકમ કાર્યરત થશે અને માઈક્રોન વૈશ્વિક માંગ અનુસાર તેની ક્ષમતામાં વધારો કરશે. આ પગલાંથી આગામી વર્ષોમાં પાંચ હજાર લોકોને સીધી રોજગારી મળશે અને ૧૫ હજાર લોકોને પરોક્ષ રોજગારી મળશે. માઈક્રોનને ભારત સરકાર તરફથી કુલ પ્રોજેક્ટ ખર્ચ માટે ૫૦ ટકા નાણાકીય સહાય અને ગુજરાત સરકાર તરફથી કુલ પ્રોજેક્ટ ખર્ચના ૨૦ ટકા પ્રોત્સાહન અપાશે.
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારતમાં સંકલન અને નીરિક્ષણ તથા ઉત્પાદન એકમ સ્થાપવા માટે માઈક્રોનનું મૂડીરોકાણ મૂળભૂત રીતે ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ધરમૂળ પરિવર્તન લાવશે અને હાઈ-ટેક તથા નિર્માણ ક્ષેત્રમાં રોજગારીનું સર્જન કરશે.
કેન્દ્રીયમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્વોન્ટમ અને હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટર્સ સહિતની ઉભરતી ટેક્નોલોજી અંગે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી દેશમાં ૮૦ હજાર જેટલી રોજગારીનું સર્જન કરશે. નવીદિલ્હીમાં મીડિયા સાથે વાત કરતાં તેમણે માહિતી આપી કે આ બાબત ભારતના યુવાનો માટે એક મહત્વની તક છે અને આગામી દાયકાઓમાં અમેરિકાના સ્ટાર્ટ-અપ સાથે કામ કરવાની ઘણી તક ઉભી કરશે, જે ટેક્નોલોજી ક્ષેત્રમાં નવા આકાર આપી શકે છે.