વડોદરામાં આવકવેરા વિભાગની ટીમોએ બે મોટા કેમિકલ ગ્રુપ પર દરોડા પાડ્યા છે. IT ના ૩૦૦થી વધુ અધિકારીઓ સર્ચની કામગીરીમાં જોડાયા છે. પ્રકાશ કેમિકલ અને ગોયલ જૂથ પર આવકવેરા વિભાગના દરોડા બાદ અન્ય કેમિકલ ઉદ્યોગ ગૃહોમાં ફફડાટ ફેલાયો છે.
વડોદરામાં કેમિકલ ઉદ્યોગ પર આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી મોટી ટેક્સ ચોરી થતી હોવાની આશંકાએ IT વિભાગે ૩૦ થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આવકવેરા વિભાગની ટીમોએ વડોદરામાં ગોયલ ગ્રુપ, પ્રકાશ કેમિકલને ત્યાં તપાસ હાથ ધરી છે.
શિવપ્રકાશ ગોયલ, જયપ્રકાશ ગોયલ, દિલીપ શાહ અને મનીષ શાહના નિવાસ સ્થાન, યુનિટ ઓફિસ સહિતના સ્થળોએ હજુ પણ કાર્યવાહી ચાલી રહી છે. ITના ૩૦૦ થી વધુ અધિકારીઓ સર્ચની કામગીરીમાં જોડાયા છે. આ ઉપરાંત ગોયલ ગ્રુપના કચ્છ કેમિકલ પ્લાન્ટ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
IT વિભાગે ૪૦ કરોડની જ્વેલરી અને રોકડ જપ્ત કરી છે. બંને ગ્રુપ પાસેથી કરોડોની રોકડ, જવેલરી તથા મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા છે. પ્રકાશ કેમિકલ અને ગોયલ જૂથની પાનોલી ઈન્ટરના લોકરની તપાસ કરવામાં આવશે.
બંને કંપનીના ૪૦ બેંક લોકરની પણ તપાસ કરવમાં આવશે. તપાસના અંતે મોટાપાયે કરચોરી ઝડપાય તેવી શક્યતા છે. પ્રકાશ ગ્રુપની ૧ કંપની દુબઈમાં પણ છે. દુબઈની કંપની થકી આયાત નિકાસના મોટા પાયે ગોટાળાની આશંકા છે. ટેક્સની મોટી રકમની ચોરી કરવામાં આવતી હોવાની શંકા છે.