રાજ્યમાં ચોમાસાનો માહોલ બરાબર જામ્યો છે. મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. અનેક તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો.
સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં વરસાદે જમાવટ કરી છે.છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ભાવનગર ઘોઘામાં અને ગોહિલવાડ પંથકમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા.
કચ્છમાં તો મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી. ભારે વરસાદના પગલે કચ્છના માંડવી તાલુકામાં આવેલું મોટી ભાડઈનું તળાવ છલકાઈ ગયું હતું. તળાવ છલકાતા મોટી ભાડઈ ગામના સરપંચ અને ગ્રામજનોએ તળાવમાં નવા નીરને વધાવ્યા હતા. જ્યારે રૂકમાવતી નદી બે કાંઠે થતા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા. જેના કારણે કોડાયથી ધોકડા જવાનો માર્ગ સલામતીના ભાગરૂપે બંધ કરાયો હતો. આ સાથે માંડવી અને ગઢસીસાને જોડતો માર્ગ પણ બંધ થયો હતો. ભારે વરસાદના કારણે કચ્છમાં વાહનવ્યવહાર પર પણ અસર થઈ હતી.
દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લામાં ૨૪ કલાક દરમિયાન વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના સાપુતારા, આહવા, વઘઇ, સુબીર,માં અડધાથી એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ મેઘમહેર થઈ હતી. આણંદ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ ખાબક્યો હતો. ૨૪ કલાકમાં આણંદ જિલ્લામાં સરેરાશ બે ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉમરેઠ અને ખંભાત તાલુકામાં એક-એક ઈંચ, બોરસદ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે અને હવામાન વિભાગે પણ આગામી ૫ દિવસ કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.