રાજ્યસભાની ૧૦ બેઠકો માટે ૨૪ જુલાઈએ ચૂંટણી

રાજ્યસભાની ૧૦ બેઠકો માટે આગામી ૨૪ જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. એવું કહેવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી વિદેશ મંત્રી એસ જયશંકરને ફરીથી રાજ્યસભામાં મોકલી શકે છે. જ્યારે અન્ય બે નેતાઓની જગ્યાએ પાર્ટી નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે.

કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જે મુજબ રાજ્યસભાની ૧૦ બેઠકો માટે આગામી ૨૪ જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણી  માટે ૧૩ જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. ૨૪ જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ૨૪ જુલાઈના રોજ ગોવા, ગુજરાત, પશ્ચિમ બંગાળની ૧૦ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.

રાજ્ય સભામાં જુલાઈ અને ઓગસ્ટમાં ૧૦ બેઠકો ખાલી થઈ રહી છે, જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર (ગુજરાત) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા ડેરેક ઓ’બ્રાયન (પશ્ચિમ બંગાળ)ની સીટો પણ સામેલ છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગોવાના સભ્ય વિનય ડી. તેંડુલકર, ગુજરાતમાંથી જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયા, પશ્ચિમ બંગાળથી TMC સભ્યો ડોલા સેન, સુસ્મિતા દેવ, શાંતા છેત્રી અને સુખેન્દુ શેખર રાયનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સભ્ય પ્રદીપ ભટ્ટાચાર્યનો કાર્યકાળ પણ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે.

ગુજરાતની ત્રણેય બેઠકો પર કોને-કોને રિપીટ કરવામાં આવશે અને કોને પડતા મુકી દેવામાં આવશે, આ એક મોટો સવાલ છે. રાજકીય વર્તુળોમાં વિદેશ મંત્રી એસ જયશંકરને ફરી રિપીટ કરાશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહેશે, કારણ કે કોંગ્રેસ વિધાનસભામાં નબળી સ્થિતિમાં  છે, આવી સ્થિતિમાં ત્રણેય બેઠકો પર ફરીથી ભાજપની જીત નિશ્ચિત છે.

ભાજપ વિદેશ મંત્રી એસ જયશંકરને ફરીથી રાજ્યસભામાં મોકલશે. અન્ય બે બેઠકો પર ફેરફાર થઈ શકે છે. રાજ્યસભાના અન્ય બે સભ્યો જેમનો કાર્યકાળ પૂર્ણ થશે તેમાં જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનું નામ સામેલ છે. આ બંનેની જગ્યાએ પાર્ટી નવા ચહેરાઓ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓને તક આપી શકે તેવી ચર્ચા ચાલી રહી છે.

ભાજપના પાર્ટી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને રાજ્યસભામાં મોકલી શકે છે. પાર્ટી હાઈકમાન્ડે હાલમાં જ આ બંને નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપી છે. વિજય રૂપાણીને પંજાબની સાથે દિલ્હીની ત્રણ લોકસભા બેઠકોના પ્રભારી બનાવવામાં આવ્યા છે, જ્યારે નીતિન પટેલને ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની પાંચ લોકસભા બેઠકોના ઈન્ચાર્જનું કામ સોંપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *