યૂનિફોર્મ સિવિલ કોડને લઈને સરકાર સંસદનાં આવનારા મોનસૂન સત્રમાં બિલ લાવવાની તૈયારીમાં છે ત્યારે શું આ મોટા નિર્ણય માટે પણ ભાજપ સરકાર ૫ ઑગસ્ટની તારીખ જ પસંદ કરશે?
UCC- યૂનિફોર્મ સિવિલ કોડને લઈને કેન્દ્ર સરકાર સંસદમાં બિલ લાવવાની તૈયારીમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સંસદનાં આવનારા મોનસૂન સત્ર કે જે ૧૭ જૂલાઈથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે UCCને લઈને બિલ લાવી શકે છે. લૉ કમિશને UCCને લઈને સામાન્ય નાગરિકની સલાહ માંગી છે. તો સંસદીય સ્થાયી સમિતિએ પણ યૂસીસીને લઈને ૩ જૂલાઈનાં મીટિંગ ગોઠવી છે.
પીએમ મોદીએ યૂસીસીને લઈને ભોપાલમાં જે નિવેદન આપ્યું તેને જોઈને લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં જ UCC અંગે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર અને ભાજપનાં સૂત્રોનું માનીએ તો સરકાર આવનારા મોનસૂન સત્રમાં યૂસીસીને લઈને સંસદમાં બિલ લાવવાની તૈયારીમાં છે ત્યારે ૫ ઓગસ્ટની તારીખ અને દેશનાં મોટા નિર્ણયોને લઈને ભાજપનાં સ્ટેન્ડ- બંનેને જોઈને એવો અંદાજો લગાવી શકાય કે મોનસૂન સત્ર દરમિયાન આ બિલની રજૂઆત પણ ૫ ઓગસ્ટનાં રોજ જ થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાં ૩૭૦ ની કલમ દૂર કરવાનાં બિલની રજૂઆત અને રામમંદિરનાં ભૂમિપૂજનની પ્રક્રિયા- આ બંને મોટા કાર્યો માટે સરકારે ૫ ઑગસ્ટનો દિવસ જ પસંદ કર્યો હતો ત્યારે શું UCC માટે પણ ૫ ઑગસ્ટની તારીખ ફિક્સ થઈ શકે છે?
UCC સંબંધિત બિલને લઈને ૫ ઑગસ્ટ તારીખને જ શા માટે મહત્વ આપવામાં આવી શકે છે? થોડા વર્ષો પહેલાં દેશનાં મહત્વનાં મોટા નિર્ણયો આ જ તારીખે લેવામાં આવ્યાં છે. ભાજપ આટલા વર્ષોથી ચૂંટણીમાં જે મુખ્ય ૩ મુદાઓને લઈને જનતાનો વિશ્વાસ જીતે છે તેમાં છે રામમંદિર, જમ્મૂ-કાશ્મીરમાં ૩૭૦ ની કલમ અને ત્રીજું છે UCC. ભાજપે આ ત્રણ વાયદાઓમાંથી મુખ્ય ૨ વાયદાઓ પૂર્ણ કર્યાં અને આ બંને માટે ૫ ઑગસ્ટની જ તારીખ પસંદ કરી હતી. તેથી શક્ય છે કે ભાજપ પોતાનો ત્રીજો વાયદો પૂર્ણ કરવા પણ ૫ ઑગસ્ટની તારીખ પસંદ કરશે.