કેન્દ્રીય કેબિનેટે ડેટા પ્રોટેક્શન બિલને લીલીઝંડી આપી દીધી છે અને તેને હવે આવતા અઠવાડિયે શરુ થનારા મોનસૂન સત્રમાં રજૂ કરાશે.
‘પ્રાઈવસીની સુરક્ષા’ ટૂંક સમયમાં જ દેશનો કાયદો બની જશે, અને જો કોઈ તેમાં ગરબડ કરશે તો તેને ભારે દંડ ભરવો પડી શકે છે. જી હાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં બુધવારે ‘ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ’ને મંજૂરી આપવામાં આવી હતી. હવે સરકાર તેને આવતા સપ્તાહથી શરૂ થનારા મોનસૂન સત્રમાં રજૂ કરી શકે છે.

દેશમાં કડક ‘ડેટા પ્રોટેક્શન લો’ની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાતી હતી. વિશ્વના ઘણા દેશોમાં લોકોની પ્રાઈવસીની સુરક્ષા માટે પહેલાથી જ કડક કાયદા છે, પરંતુ ભારતમાં આવો કોઈ કાયદો નહોતો. હવે સરકાર આ કાયદાનું કડક પાલન કરવા માટે ટૂંક સમયમાં ‘ડેટા પ્રોટેક્શન બોર્ડ’ની રચના કરશે. બિલ અનુસાર કાયદાને લાગુ કરવા માટે ‘ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઇન્ડિયા’ની રચના કરવામાં આવશે જે યૂઝર્સની ફરિયાદો સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા પર પણ કામ કરશે.
ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલમાં એવી કંપનીઓ માટે કડક જોગવાઈઓ છે જે ગોપનીયતા અથવા ડેટા સુરક્ષા સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરે છે. બિલ અનુસાર નિયમોના ઉલ્લંઘન પર કંપનીઓને ૫૦૦ કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. દેશમાં અત્યારે કોઈ કડક કાયદો ન હોવાના કારણે ડેટા રાખનારી કંપનીઓ તેનો ફાયદો ઉઠાવે છે. હાલમાં જ દેશની અંદર ઘણા અવસર પર બેંકો, વીમા અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા ઘણા ડેટા લીક થવાના સમાચાર સામે આવ્યા છે. આનાથી ડેટા સુરક્ષા પર લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે.
ડેટા પ્રોટેક્શન બિલની જોગવાઇઓ અનુસાર હવે જો કોઇ યૂઝર સોશિયલ મીડિયા પર પોતાનું એકાઉન્ટ ડિલીટ કરી દે છે તો કંપનીઓએ પણ તેનો ડેટા ડિલીટ કરવો પડશે. કંપની તેના વ્યવસાયિક હેતુઓની પૂર્તિ માટે જ યૂઝર્સનો ડેટા રાખી શકશે. યૂઝર્સને તેમના વ્યક્તિગત ડેટાને સુધારવા અથવા ભૂંસી નાખવાનો અધિકાર મળશે.બાળકોના અધિકારોને ધ્યાનમાં રાખીને, નવા બિલમાં કોઈપણ કંપની અથવા સંસ્થા બાળકોને નુકસાન પહોંચાડે તેવો ડેટા એકત્રિત નહીં કરી શકે તેમની પર આવા કામ કરવાનો પ્રતિબંધ મૂકાશે. બાળકોના ડેટાની એક્સેસ માટે માતાપિતાની પરવાનગી ફરજિયાત રહેશે. સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાને જાળવી રાખવા માટે બિલમાં પર્યાપ્ત જોગવાઈઓ કરવામાં આવી છે.