જૂનાગઢ જિલ્લાના ભેંસાણ અને પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ચાર-ચાર ઈંચ વરસાદ પડ્યો.
ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આગામી ૫ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્ય સરકાર દ્વારા, માછીમારોને એલર્ટ રહેવા તથા દરિયાઈ વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં જૂનાગઢ જિલ્લાના ભેંસાણ અને પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ચાર-ચાર ઈંચ વરસાદ પડ્યો. પોરબંદર શહેરમાં પોણા ચાર ઈંચ, મહેસાણાના વિજાપુર અને કચ્છના મુંદરામાં સાડા ત્રણ ઈંચ, બનાસકાંઠાના લાખાણી અને કચ્છના અંજારમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાનના આંકડા મુજબ ૨૪ કલાકમાં રાજ્યના ૧૫૭ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે સવારે દ્વારકામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતાં.
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. ઉપરવાસમાં સારો વરસાદ થતા ધરોઈ ડેમની સપાટી ૬૧૦.૨૧ ફૂટ પર પહોંચી છે. ધરોઈ ડેમમાં હાલ ૩,૮૮૮ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. ચોમાસાના પ્રારંભે જ ધરોઈ ડેમ ૫૯ % ભરાઈ જતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં મહેસાણામાં બે ઈંચ, વિજાપુરમાં ૩ ઈંચ, વિસનગરમાં એક ઈંચ અને જોટાણામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.