શેર બજારમાં બે દિવસ તેજીને પગલે રોકાણકારો રાજી રહ્યા બાદ આજે BSE Sensex ૨૨૩ અંકના ઘટાડા સાથે ૬૫,૩૯૩ પર અને NIFTY પણ ૫૫ અંક ગગળીને ૧૯,૩૮૪ પર બંધ રહ્યું હતું.
શેર બજારમાં બુધવારે સતત બે દિવસની તેજી બાદ ભારે વેચવાલી જોવા મળી હતી. BSE Sensex ૨૨૩ અંકના ઘટાડા સાથે ૬૫,૩૯૩ પર બંધ રહ્યો હતો. આવી જ રીતે NIFTY પણ ૫૫ અંક ગગળીને ૧૯,૩૮૪ પર બંધ રહ્યું હતું. બજારમાં મોંઘવારી અને Q૧ના પરિણામ પહેલા વેચવાલી જોવા મળી હતી. ગઇ કાલે BSE Sensex ૨૭૩ અંકના ઉછાળા સાથે ૬૫,૬૧૭ પર બંધ રહ્યો હતો. જોકે આજે તેજીની ગાડી પર એકાએક બ્રેક લાગી હતી.
Sensexમાં આજે ટાટા મોટર્સ, ઇન્ફોસિસ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો, આવી જ રીતે એનટીપીસી, ઇન્ડસઇન્ડ બેંક, લાર્સન એન્ડ ટર્બો, એચસીએલ ટેક, પાવરગ્રીડ, મારુતિ અને એચડીએફસીના શેર ૦.૫૦ %ના ઘટાડા સાથે બંધ થયા હતા. આ સિવાય ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, ટીસીએસ, એક્સિસ બેંક, હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ અને આઇસીઆઇસીઆઇ બેંકના શેર પણ લાલ નિશાન સાથે બંધ થયા હતા.
શેર બજારમાં ભલે મોટાભાગે આજે લાલ આંકડા જ જોવા મળ્યા હોય પરંતુ કેટલાક એવા પણ શેર હતા જેમાં રોકાણકારોને લીલા આંકડા જોવા મળ્યા, આ શેરમાં કોટક મહિન્દ્રા બેંક, એશિયન પેઇન્ટ્સ, સન ફાર્મા, નેસ્લે ઇન્ડિયા, ટાઇટન અને એસબીઆઇના શેરનો સમાવેશ થાય છે. બીજી બાજુ અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયો ૧૨ પૈસા મજબૂત થયો છે. જે હાલ ૮૨.૨૪ના સ્તર પર ક્લોઝ થયો છે. આ પહેલા સત્રમાં ડોલરના મુકાબલે રૂપિયો ૮૨.૩૬ના સ્તરે પહોંચ્યો હતો.