ગુજરાતે સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપનથી પ્રજાના નાણાંનો વિકાસકામો માટે સુચારું ઉપયોગ કર્યો છેઃ મુખ્યમંત્રી

રાજ્ય સરકારના વિભાગો અને AG વચ્ચે સંવાદ-સંકલન વધશે તથા સમય-નાણાની બચત થશેઃ CAG ગિરીશ ચંદ્ર મુર્મૂ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના નવા કાર્યાલયનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખાસ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, CAG અને સરકાર સામસામે હોવાની વર્ષો જૂની માન્યતા બદલીને CAG અને સરકાર સાથે-સાથે રહે તેમજ CAGના સૂચનોને પોઝિટિવ એપ્રોચથી સ્વીકારવાની કાર્યપ્રથા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વમાં સરકારે અપનાવી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી કેગ દ્વારા કરવામાં આવતાં ઓડિટના સૂચનને સરકારે હંમેશા હકારાત્મક રીતે લીધા છે. એટલું જ નહિ, સુદૃઢ નાણાંકીય વ્યવસ્થાપનથી પ્રજાના નાણાનો વિકાસકામો માટે સુચારું ઉપયોગ કર્યો છે. તેના પરિણામે આજે ગુજરાતે તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. વર્ષ ૧૯૯૫માં રાજ્યનું બજેટ માત્ર ૧૨ હજાર કરોડ રૂપિયા હતું તે વધીને આ વર્ષે ૩ લાખ કરોડથી પણ વધુનું થયું છે, જે રાજ્યના નાણાંકીય વ્યવસ્થાપન અને કરકસરપૂર્વકના વહીવટની સાબિતી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગત એપ્રિલમાં ૧.૮૭ લાખ કરોડનું રેકોર્ડબ્રેક જીએસટી કલેક્શન સૂચવે છે કે દેશના દરેક ક્ષેત્રમાં ધંધા રોજગારનું પ્રમાણ સારું છે.  ઉદ્યોગ-વ્યવસાય માટે જરૂરી એવી વીજળી, પાણી અને તમામ પ્રકારની કનેક્ટિવિટી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તાજેતરમાં ભારત સરકારના એક અહેવાલ મુજબ ગુજરાત સૌથી વધુ રોજગારી પૂરું પાડતું રાજ્ય છે. રાજ્ય સરકાર દ્વારા યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટે દેશ અને દુનિયાને ઉદ્યોગ-ધંધા માટે સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દુનિયાનો દરેક દેશ ભારત સાથે બિઝનેસ કરવા ઈચ્છે છે અને એમાંય ગુજરાત ઉદ્યોગ-વ્યવસાય માટે મોસ્ટ ફેવર્ડ ડેસ્ટિનેશન રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.

અત્યાર સુધી અમદાવાદ અને રાજકોટ એમ બે સ્થળે કાર્યરત AG ઓફિસ હવે પાટનગર ગાંધીનગરમાં આવનારા દિવસોમાં કાર્યરત થશે. તેથી પરસ્પર સંકલન વધુ સક્ષમ-ઝડપી બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો.

ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક ગિરીશ ચંદ્ર મુર્મૂએ પણ આ કાર્યક્રમમાં ઉદબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટની કચેરીનું ગાંધીનગર ખાતે સ્થળાંતર થવાથી રાજ્ય સરકાર અને વિભાગ વચ્ચે સંવાદ-સંકલન વધશે અને સમય-નાણાની બચત થશે. તેમજ રાજ્ય સરકાર અને વિભાગ વચ્ચે સમયસર જવાબ રજૂ કરવા અને ચર્ચા કરવા માટે સમય ઘટશે. આથી ઓડિટ સંબંધિત અગાઉના પડતર પ્રશ્નોનું પણ વહેલી તકે નિરાકરણ આવશે. તેમજ પરસ્પર પત્ર-વ્યવહાર અને તાલમેલ અંગેની કઠણાઈ ઘટશે તથા અધિકારીઓના સમય, ઊર્જા અને પ્રવાસ ખર્ચમાં પણ બચત થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, નિર્માણ થનારું નવું ભવન અત્યાધુનિક સુવિધાઓ સાથેનું પર્યાવરણને અનુકૂળ ગ્રીન બિલ્ડિંગ હશે. આ કાર્યાલય રાજ્ય સરકારના લગભગ ૫૦ હજાર જેટલા કર્મચારીઓનું PF પણ સંભાળે છે અને સરકારી તિજોરીનું વાર્ષિક નિરીક્ષણ પણ કરે છે. ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના નવા કાર્યાલયના બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૭૮૬૦ ચોરસ મીટર જમીન આપવા બદલ મુખ્યમંત્રીનો ગિરીશ ચંદ્ર મુર્મૂએ આભાર માન્યો હતો.

આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબહેન પટેલ, ગાંધીનગર શહેરના મેયર હિતેશભાઈ મકવાણા,  મુખ્ય સચિવ રાજકુમાર તથા એકાઉન્ટન્ટ જનરલ વિજય કોઠારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *