કેન્દ્ર સરકારે ટામેટાના ભાવને કાબુમાં લાવવા માટે એક મોટું પગલું ભર્યું છે જે હેઠળ બે મોટી સરકારી સંસ્થાઓને ૩ રાજ્યોમાં ટામેટાનો મોટો જથ્થો ખરીદીને સસ્તા ભાવે ઉતારવાનો આદેશ અપાયો છે.
દેશના મોટાભાગના રાજ્યોમાં ટામેટાનો ભાવ ૧૦૦ રુપિયા કે તેનાથી વધારે છે આવી સ્થિતિમાં લોકોએ ટામેટા ખાવાનું બંધ કરી દીધું છે પરંતુ આગામી થોડા સમયમાં ટામેટાના ભાવમાં ઘટાડો આવી જશે. ટામેટાના વધતાં જતા ભાવોને કાબુમાં લેવા કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારના ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના મંત્રાલયે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (નાફેડ) અને નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર ફોરમ (ઇવીસીસીએફ)ને આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રની મંડીઓમાંથી ટામેટાં ખરીદીને જે વિસ્તારમાં વધારે ભાવે ટામેટા વેચાઈ રહ્યાં છે ત્યાં જથ્થો ઉતારવાનો આદેશ આપ્યો છે.