ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૭ તાલુકામાં વરસાદ, ૧૬ જુલાઈથી ૧૯ જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૭ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં નવસારીના ચીખલીમાં ચાર ઇંચ, ગણદેવીમાં સવા ત્રણ ઇંચ, ખેરગામ અને નવસારી શહેરમાં ત્રણ ઇંચ વરસાદ થયો હતો. અમરેલીમાં સવા ત્રણ ઇંચ,  સુરતના ઉમરપાડામાં ત્રણ ઇંચ, તાપીના ડોલવણમાં અઢી ઇંચ, કુકરમુંડામાં સવા બે ઇંચ, નર્મદાના તિલકવાડા, વલસાડ, ભરૂચ, નસવાડી, ગરુડેશ્વર,  પારડીમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. પાદરા,  માંગરોળ,  મહુવા ભાવનગર, ઝઘડિયા, બરવાળા, બોડેલીમાં એક-એક ઇંચ વરસાદ થયો હતો. આ  સાથે રાજ્યમાં  સરેરાશ ૪૮ ટકા વરસાદ નોંધાયો છે. કચ્છ ઝોનમાં ૧૧૨ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૬૫ ટકા,  દક્ષિણ ગુજરાતમાં ૩૮ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૦ ટકા અને મધ્ય ગુજરાતમાં ૩૫ ટકા વરસાદ નોંધાયો હતો. બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ ૧૬ જુલાઈથી ૧૯ જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે જળાશયોમાં નોંધપાત્ર આવક થવાની સાથે અનેક ડેમ ઓવર ફ્લો પણ થયા છે. જ્યારે જુનાગઢ જિલ્લાનો મધુપરી ડેમ છલકાતા  મેંદરડા અને વંથલીના ૧૦ જેટલા ગામોમાં એલર્ટ અપાયું છે.  આ ઉપરાંત,   અમરેલીના રાજુલાનો ધાતરવાડી, બોટાદ જિલ્લાના બરવાળાનો  ખાંભડા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રના રાજકોટના અન્ય ડેમની વાત કરીએ તો મોજ, ફોફળ, વેણુ-૨, આજી-૨, ન્યારી-૨, સોડવ-દર,  સુરવો, ભાદર ડેમ ઓવર ફ્લો થયા હતા. મોરબી જિલ્લામાં મચ્છુ-૩ અને જામનગરમાં ફલઝર-૧, સપડા, કંકાવટી, ઉંડ, અને ઉમીયા સાગર ડેમ ઓવર ફ્લો થતા દરવાજા ખોલવામાં આવ્યા હતા. ઉપરાંત, સુરેન્દ્રનગરમાં ત્રિવેણી કાંઠા અને અમરેલીનો સાકરોલી ડેમ પણ ઓવર ફ્લો થયો હતો.  તાપીના ઉકાઈ ડેમમાં પાણઈની આવક પણ થઈ રહી છે, ઉપર-વાસના વરસાદથી હાલ ડેમમાં ૧૭,૧૭૮ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ૬૦૦ ક્યુસેક પાણીની જાવક છે,  ડેમની સપાટી હાલમાં ૩૦૯.૯૫ ફૂટ પર પહોંચી છે, જ્યારે ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *