દ્વારકાધીશ જગતમંદિર બાદ હવે રણછોડરાય ધામ ડાકોરમાં પણ આ પ્રતિબંધ, ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બહાર લગાવાઈ નોટિસ
દ્વારકા મંદિર બાદ ડાકોર મંદિર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, ડાકોર મંદિરમાં પણ હવે ટૂંકા વસ્ત્ર પહેરીને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વિગતો મુજબ જો હવે સ્ત્રી અને પુરુષોએ ટૂંકા વસ્ત્ર પહેર્યા હશે તો તેમને રણછોડરાયના દર્શન કરવા નહીં મળે. જેને લઈ હવે ડાકોર મંદિર બહાર નોટિસ લગાવાઈ છે.
ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતો મુજબ જગતમંદિર દ્વારકા બાદ હવે ડાકોરમાં પણ ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ ફરમાવાયો છે. ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર બહાર નોટિસ લગાવી આ અંગે જાણ કરાઇ છે. જેમાં સ્ત્રી અને પુરુષોએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી નહી આવી શકે તેવી જાણ કરાઇ છે.
દ્વારકાધીશ જગતમંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. જેને લઈ મંદિર પરિસરમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રવેશ ન કરવાના બેનર પણ લગાવાયા છે. મહત્વનું છે કે, દ્વારકાધીશ જગતમંદિરમાં વર્ષે દહાડે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. જેને લઈ હવે ધાર્મિક સંસ્કૃતિને શોભે તેવા વસ્ત્રો પહેરીને આવવાની અપીલ કરવામાં આવી છે.