આરોપીએ ડ્રગ્સ લીધું હતું કે કેમ, તે અંગેનો રિપોર્ટ આવનારા દિવસોમાં આવશે
અમદાવાદના ઇસ્કોન ફ્લાય ઓવર બ્રીજ પર થયેલા ગમખ્વાર અકસ્માતના ડ્રાઇવર તથ્ય પટેલના કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આ અંગે અમદાવાદ પશ્ચિમ ટ્રાફીક DCP નીતા દેસાઇ એ જણાવ્યું હતું,, કે આરોપી તથ્ય પટેલ પાસેથી હજુ ઘણી બાબતોની પુછપરછ કરવાની બાકી છે.. જેમકે અકસ્માતના દિવસે આરોપી તથ્ય પટેલ કોને મળ્યો, તેના મિત્રો સાથે શું પ્રવૃત્તિઓ કરી, કઇ જગ્યાએ ગયા હતા, વગેરે પ્રશ્નો અંગેના જવાબો આપવામાં, આરોપી કચવાતો હતો, અને જવાબ આપતો ન હતો. તેમજ આરોપીએ પોતાની કારની સ્પીડ અંગેના પ્રશ્નોના પણ, જવાબો આપ્યા નથી. તથા જ્યારે અકસ્માત થયો ત્યારે, કારની અંદર શું પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, વગેરે ઘણા મુદ્દાઓ અંગે પોલીસને પુછપરછ કરવાની હોવાની, કોર્ટ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું, કે FSL દ્વારા જે બ્લડ રીપોર્ટ કરવામાં આવ્યો છે, તેમાં આલ્કોહોલનું પ્રમાણ જણાઇ આવ્યું નથી. આરોપીએ ડ્રગ્સ લીધું હતું કે કેમ, તે અંગેનો રીપોર્ટ આવનારા દિવસોમાં આવશે.
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતની ઘટનાનું પોલીસ દ્વારા ગુરુવાર રાત્રે રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ઇસ્કોન બ્રિજ પર ચાલક દ્વારા જે જગ્યાએ અકસ્માત કરવામાં આવ્યો હતો, તે જગ્યા પર જેગુઆર કારના ચાલક તથ્ય પટેલ અને તેમના પિતાને લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા અકસ્માત કર્યો તે વખતે કાર ક્યાં ઉભી રાખી હતી અને તે વખતની પરિસ્થિતિ બાબતે જીણવટ પૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. આ અકસ્માતની ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ દુર્ઘટનામાં સંડોવાયેલા દોષી સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી, અટકાયત અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના આદેશો આપ્યા છે. આ દુર્ઘટનાની તપાસ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં એક જોઈન્ટ કમિશનર, ત્રણ ડી.સી.પી અને પાંચ પી.આઈ કરી રહ્યા છે. આ કેસને મોસ્ટ સિવિયર અને મોસ્ટ અર્જન્ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરવા તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુક કરીને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં થયેલી આવી અકસ્માતની ઘટનાઓનું પુનરાવર્તન ભવિષ્યમાં ન થાય અને સમાજમાં દાખલો બેસે તે રીતે કડક શિક્ષાત્મક પગલાં સહિતની કાર્યવાહી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.