કેન્દ્ર સરકારે ૬.૫૦ કરોડ લોકોને પીએફ વ્યાજ દર વધારાની ભેટ આપી છે. નાણા મંત્રી નિર્મલા સીતારામણે આ વાતનું એલાન કર્યું હતું.
કેન્દ્ર સરકારે પીએફ ખાતાધારકોને એક મોટી ભેટ આપતાં પીએફના વ્યાજદરમાં વધારો જાહેર કર્યો છે. કેન્દ્ર સરકાર હેઠળના એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) એ નાણાકીય વર્ષ ૨૦૨૨ – ૨૩ માટે ઈપીએફ ખાતા માટે ૮.૧૫ % વ્યાજ દર જાહેર કર્યો છે, જે અગાઉ ૮.૧૦ % હતો.
આ માટે ઈપીએફઓએ દરેક સભ્યના ખાતામાં વ્યાજ જમા કરાવવા માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. બોર્ડ ઓફ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને નાણાકીય વર્ષ ૨૦૨૨ – ૨૩ માટે ઈપીએફ એકાઉન્ટ પર ૮.૧૫ % નો વ્યાજ દર નક્કી કર્યો હતો અને તેને નાણાં મંત્રાલયની મંજૂરી મળી ગઈ છે.
નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨ માટે, ઇપીએફઓએ ઇપીએફ ખાતા માટે વ્યાજ દર ૮.૧૦ % નક્કી કર્યો હતો. આ લગભગ ૪૦ વર્ષમાં સૌથી ઓછો વ્યાજ દર છે. ૧૯૭૭ – ૭૮ માં ઈપીએફઓએ ૮ % વ્યાજ દર નક્કી કર્યો હતો. પરંતુ ત્યાર બાદ તે સતત ૮.૨૫ % કે તેથી વધુ રહ્યો છે. ૨૦૧૮ – ૧૯ માં વ્યાજ દર ૮.૬૫ %, ૨૦૧૭ – ૧૮ માં ૮.૫૫ %, ૨૦૧૬ – ૧૭ માં ૮.૬૫ % અને ૨૦૧૫ – ૧૬ માં ૮.૮ % હતો.