આજે પણ ન ચાલી લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી

મણિપુર હિંસા મામલે પીએમ મોદીના નિવેદનની માગ પર આજે લોકસભા અને રાજ્યસભા બન્નેની કાર્યવાહી ખોરવી નાખી હતી.

સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. લોકસભા અને રાજ્યસભા બંનેમાં સંઘર્ષની સ્થિતિ છે. વિપક્ષ મણિપુર હિંસા મામલે પ્રધાનમંત્રી મોદીના સંસદમાં નિવેદનની માગ પર અડગ છે, સોમવારે પણ લોકસભા કે રાજ્યસભામાં કોઈ કામ થઈ શક્યું ન હતું. લોકસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે સરકાર મણિપુર પર ચર્ચા માટે તૈયાર છે. શાહે કહ્યું કે ‘મને ખબર નથી કે વિપક્ષ ચર્ચા કેમ નથી ઈચ્છતો’. હંગામો બંધ ન થતાં લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

રાજ્યસભામાં પણ અધ્યક્ષ જગદીપ ધનખરે કડક વલણ અપનાવ્યું હતું. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ગૃહ દ્વારા સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરએસમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સિંહના સસ્પેન્શનનો પ્રસ્તાવ મૂક્યો હતો. સિંહ રાજ્યસભામાં સતત સૂત્રોચ્ચાર અને હંગામો કરી રહ્યા હતા.

વિપક્ષ મણિપુરમાં જાતિ હિંસા અંગે સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ પર અડગ છે. તેમને પીએમ મોદીના નિવેદનથી ઓછું કંઈ ખપતું નથી.

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં વિપક્ષી સાંસદોને ગૃહને કામકાજ કરવા દેવાની અપીલ કરી હતી. સરકાર મણિપુર પર ચર્ચા કરવા તૈયાર છે તેમ જણાવતા શાહે કહ્યું કે તે (મણિપુર) એક મહત્વપૂર્ણ મુદ્દો છે. જો કે આ પછી પણ હોબાળો અટક્યો ન હતો. લોકસભા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *