ભારતે બીજી ઈનિંગમાં ૧૮૧ રન બનાવીને ઇનિંગ ડિકલેર કરી વિન્ડીઝને ૩૬૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો
ચોથા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝે ૨ વિકેટ ગુમાવીને ૭૬ રન બનાવી લીધા હતા.
ત્રિનિદાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બીજી ટેસ્ટ રમાઈ રહી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં ભારતની બીજી ઇનિંગમાં ૫૭ રનની શાનદાર ઇનિંગ રમીને નવો ઇતિહાસ રચ્યો છે. દસ રન બનાવતાની સાથે જ તેણે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દનેનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં સતત ૩૦ ડબલ ડીજીટ સ્કોર બનાવનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ શ્રીલંકાના સ્ટાર બેટ્સમેન મહેલા જયવર્દનેના નામે હતો, જેણે શ્રીલંકા માટે ટેસ્ટમાં ૨૯ વખત ડબલ ડીજીટનો સ્કોર બનાવ્યો હતો.
રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તે ૪૪ બોલમાં ૫૭ રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે ૫ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્માએ માત્ર ૩૫ બોલમાં પોતાની ફિફ્ટી ફટકારી હતી. આ તેના ટેસ્ટ કરિયરની સૌથી ઝડપી ફિફ્ટી છે. આ પહેલા રોહિતે વર્ષ ૨૦૨૧ માં ઈંગ્લેન્ડ સામે ચેન્નઈ ટેસ્ટમાં ૪૭ બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી.