રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભૂસ્તરશાસ્ત્રના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રીય ભૂ-વિજ્ઞાન પુરસ્કાર-૨૦૨૨ પ્રદાન કરવામાં આવ્યા

ભૂસ્તરશાસ્ત્રના વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ અને ઉત્કૃષ્ટ યોગદાન માટે વ્યક્તિઓ અને ટીમોને રાષ્ટ્રીય ભૂ-વિજ્ઞાન પુરસ્કાર-૨૦૨૨ પ્રદાન કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ૨૪ જુલાઈ, ૨૦૨૩ના રોજ રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય ભૂ-વિજ્ઞાન પુરસ્કાર-૨૦૨૨ પ્રદાન કરવામાં આવ્યા હતા. ભૂસ્તરશાસ્ત્રના વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ અને ઉત્કૃષ્ટ યોગદાન માટે વ્યક્તિઓ અને ટીમોને સન્માનિત કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારના ખાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ભૂસ્તરશાસ્ત્ર પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી છે.

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભૂસ્તરશાસ્ત્રનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. તેમાં ભૂસ્ખલન, ભૂકંપ, પૂર અને સુનામી જેવી કુદરતી આફતોનો અભ્યાસ પણ સામેલ છે. આ વિષયોને પબ્લિક ગુડ જીઓ સાયન્સ કહેવામાં આવે છે કારણ કે તે મોટી સંખ્યામાં લોકોની સુરક્ષાને અસર કરે છે.

તેમજ વધુમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, માઈનિંગ આપણા અર્થતંત્રનું પ્રાથમિક ક્ષેત્ર છે. દેશના આર્થિક વિકાસમાં ખનીજ વિકાસનું મહત્વનું યોગદાન છે. છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન સરકાર દ્વારા ખાણ ક્ષેત્રે ઘણા પ્રગતિશીલ ફેરફારો લાવવામાં આવ્યા છે. આ ફેરફારો ખનીજ વિભાગના ખોદકામ ક્ષેત્રની કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં વધારો કરી રહ્યા છે.

તેમજ રાષ્ટ્રપતિએ જણાવ્યુ હતુ કે, ભૂ-વૈજ્ઞાનિક સમુદાયે માનવ-કેન્દ્રિત ખાણકામની દિશામાં આગળ વધતા રહેવું પડશે. તેમણે ખનિજોના કાર્યક્ષમ ઉપયોગમાં યોગદાન આપીને ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ભારતીય ભૂ-વિજ્ઞાનીઓની પ્રશંસા કરી હતી. પર્યાવરણીય સંરક્ષણની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને, કેટલાક પરંપરાગત ખનિજોનું ખાણકામ અને તેના પરિણામોનું નવા પરિપ્રેક્ષ્યમાં વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. તેમણે આજના પુરસ્કારોમાં ટકાઉ ખનિજ વિકાસના ક્ષેત્રમાં યોગદાનને સ્વીકારવા બદલ ખાણ મંત્રાલયની પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *