કોંગ્રેસ નેતા વિજય દરડાને ચાર વર્ષની સજા

દિલ્હીની કોર્ટે કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ વિજય દર્ડા અને તેમના પુત્ર દેવેન્દર દર્ડાને કોલસા કૌભાંડમાં ચાર વર્ષની સજા ફટકારી છે.

રાહુલ ગાંધી બાદ કોંગ્રેસના બીજા એક નેતાને ચાર વર્ષની સજા થઈ છે. છત્તીસગઢમાં કોલસા બ્લોકની ફાળવણીમાં અનિયમિતતા સાથે જોડાયેલા એક કેસમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ વિજય દર્ડા અને તેમના પુત્ર  દેવેન્દર દર્ડા અને મેસર્સ જેએલડી યવતમાલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર મનોજકુમાર જયસ્વાલને ચાર વર્ષની સજા થઈ છે. દિલ્હીની કોર્ટે છત્તીસગઢ કોલસા કૌભાંડમાં ચુકાદો આપતાં તેમને સજાની જાહેરાત કરી છે.

જુલાઈ ૨૦૨૩ ની શરુઆતમાં સ્પેશિયલ જસ્ટીસ સંજય બંસલે તેમને ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ ૧૨૦ બી (ગુનાહિત કાવતરું) અને ૪૨૦ (છેતરપિંડી અને બેઇમાનીથી સંપત્તિની ડિલિવરી માટે પ્રેરિત કરવા) હેઠળ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દોષી ઠેરવ્યા હતા.

સીબીઆઇએ વધુમાં વધુ સજાની માગણી કરી હતી અને દાવો કર્યો હતો કે દર્ડા અને તેમના પુત્ર દેવેન્દરે સીબીઆઇના ભૂતપૂર્વ ડાયરેક્ટર રંજીત સિંહાને તેમના નિવાસસ્થાને મળીને તપાસને અટકાવવા માટે મુલાકાત કરી હતી. કોલસા કૌભાંડના કેસોની તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવા બદલ તેમની સામેના પ્રથમદર્શી આક્ષેપોમાં સિંહાની ભૂમિકાની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એસઆઈટીની રચના કરી હતી. સીબીઆઇના વરિષ્ઠ સરકારી વકીલ એ પી સિંહે વધુમાં દાવો કર્યો હતો કે આ કેસના એક સાક્ષીએ જણાવ્યું હતું કે જયસવાલ દ્વારા તેમને ધમકી આપવામાં આવી હતી, જેમણે તેમની સામે રજૂઆત ન કરવા માટે તેમને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *